ઉનાની સરકારી હોસ્પિટલમાં રવિવારે રાત્રે નશાની હાલતમાં આવેલા એક યુવકે ફરજ પરના તબીબ સાથે ગેરવર્તણૂક અને હાથાપાઈ કરતાં હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફરજ પર રહેલા ડો. કિશનસિંહ પરમાર પાસે માથામાં સામાન્ય ઈજા સાથે પહોંચેલા રાજેન્દ્ર રસિકભાઈ સોલંકીએ સારવાર પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગ કરી હતી. તબીબે પહેલા સારવાર અને ત્યારબાદ પોલીસને જાણ કરવાની પ્રક્રિયા સમજાવતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી ઝપાઝપી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ઉના પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. પોલીસની હાજરીમાં પણ યુવકનો હોબાળો ચાલુ રહેતાં તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો. આ મામલે ડો. કિશનસિંહ પરમારે રાજેન્દ્ર રસિકભાઈ સોલંકી અને તેની સાથે આવેલા વિપુલ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આરોપી દારૂના નશામાં હોવાથી દારૂ પીવા અંગે પણ અલગ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.











































