અમદાવાદ પોલીસના ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-૭ને મોટી સફળતા મળી છે. વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં રોકાયેલા વ્યક્તિ પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ઝોન-૭ની ટીમે વાસણા પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન સાબીર જાફરઅહેમદ શેખ (ઉંમર ૩૬), રહે. મંદસોર, મધ્યપ્રદેશને ૧૯૪ ગ્રામ ૭૮૦ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી રૂ. ૫.૮૪ લાખ કિંમતના સ્ડ્ઢ ડ્રગ્સ, રૂ. ૨.૩૭ લાખની રોકડ રકમ અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૮.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં અન્ય એક શખ્સ ઇમરાન અફઝલખાન પઠાણનું નામ પણ સામે આવ્યું છે, જે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.
આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૨(સી) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે અને ‘નો ડ્રગ ઇન સિટી’ અભિયાન હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.