પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંઘાડે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગુજરાતમાં ટેકાના ભાવે (MSP) કપાસ, મગફળી, ચણા અને તુવેરની ખરીદી માટે મધ્યપ્રદેશ સરકારની જેમ ‘ભાવંતર યોજના’ અમલમાં મૂકવા ભલામણ કરી છે. મધ્યપ્રદેશમાં ખેડૂતો APMC માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને માલ વેચે છે અને MSP તથા વેચાણ ભાવ વચ્ચેના તફાવતની રકમ સીધી તેમના ખાતામાં જમા થાય છે.આ યોજના ગુજરાતમાં લાગુ કરવાથી સરકારનો મોટો વહીવટી ખર્ચ બચશે. સરકારને ખરીદ કેન્દ્રો શરૂ કરવા, બારદાન, તોલાઈ, ટ્રાન્સપોર્ટ, ગોડાઉન ભાડું, જીવાતથી થતું નુકસાન, વીમો અને ફરી માલ વેચવાની ટેન્ડર પ્રક્રિયા જેવી અનેક જટિલ કામગીરીઓ અને ખર્ચમાંથી મુક્તિ મળશે. આ યોજના ખેડૂતો અને સરકાર બંને માટે ફાયદાકારક અને અનુકૂળ હોવાથી આ બાબતે યોગ્ય નિર્ણય લેવા પત્રમાં વિનંતી કરાઈ છે.