એફબીઆઇએ દાવો કર્યો હતો કે તેણે વોશિંગ્ટનમાં ગયા સપ્તાહના અંતે યુએફસી કાર્યક્રમ દરમિયાન સંભવિત હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે અને ઘટનાના સંદર્ભમાં ઘણા લોકોની ધરપકડ કરી છે. રવિવારે વ્હાઇટ હાઉસના લાનમાં યુએફસી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું એક મોટા પાર્કમાં મોટી સ્ક્રીન પર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના મંત્રીમંડળના સભ્યો અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા. સાઉથ પાર્ક વિસ્તારમાં મોટી સ્ક્રીન પર આ ઇવેન્ટ જાવા માટે હજારો લોકો એકઠા થયા હતા.
એફબીઆઇના ડિરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે ૧૦ જૂને,એફબીઆઇ અને તેની ભાગીદાર સુરક્ષા એજન્સીઓને આ ઇવેન્ટ સંબંધિત સંભવિત ખતરા વિશે માહિતી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ધમકી વોશિંગ્ટન, ડી.સી.ની બહારના વ્યક્તિઓ સાથે જાડાયેલી હતી. બહુ-રાજ્ય કામગીરીના ભાગ રૂપે,એફબીઆઇ તેના ભાગીદારો અને ન્યાય વિભાગે ઝડપથી કાર્યવાહી કરી, ઘણા વ્યક્તિઓની ધરપકડ કરી અને હુમલાની યોજનાને નિષ્ફળ બનાવી.
અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે કથિત કાવતરામાં વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનનો ઉપયોગ કરીને ઘટનાની નજીકની ઇમારતોને નિશાન બનાવવાનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય મોટા પાયે લોકોને સ્થળાંતર કરાવવાનો અને ભીડને પૂર્વ-સ્થિત સ્નાઈપર ટીમ તરફ ધકેલી દેવાનો હતો. આ પછી, હુમલાખોરોએ “બીજી લહેર” માં વ્હાઇટ હાઉસના દરવાજા પર હુમલો કરવાની યોજના બનાવી હતી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા પાંચ લોકોની અટકાયત કરવામાં આવી છે, અને તપાસમાં સંભવિત નેટવર્કના ભાગ રૂપે ૨૩ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે.
કાશ પટેલે કહ્યું કે આ કાર્યવાહી એફબીઆઈ અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલી સંપૂર્ણ તપાસનું પરિણામ છે, પરંતુ તે તેમના માટે અસામાન્ય નથી. તેમણે કહ્યું કે એજન્સીનો આદેશ આવી ઘટનાઓમાં, ખાસ કરીને મોટા જાહેર કાર્યક્રમો દરમિયાન, ગુનેગારોને શોધવાનો, જવાબ આપવાનો અને ન્યાયના કઠેડામાં લાવવાનો છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યવાહી તે જવાબદારીનો એક ભાગ છે, અને તપાસ ચાલુ રહેશે. એજન્સી જરૂર મુજબ વધુ માહિતી જાહેર કરવાનું ચાલુ રાખશે.