દક્ષિણ ગુજરાતમાં આગામી ૭ દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ખેડૂતો અને સામાન્ય લોકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ દેશભરમાં ચોમાસું સતત આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ ચોમાસું હાલમાં મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધીના વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે. અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે આગામી દિવસોમાં ચોમાસું વધુ વિસ્તારોમાં પ્રવેશ કરે તેવી શક્્યતા છે.વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને હવામાન વિભાગ દ્વારા લોકોને હવામાન સંબંધિત સૂચનાઓ પર નજર રાખવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે