શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એએમસીએ કડક ઝુંબેશ શરૂ કરી છે. ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી ૬ જાણીતી હોટેલોને તાત્કાલિક ધોરણે સીલ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનની આ આકરી કાર્યવાહીથી હોટેલ અને રેસ્ટોરન્ટ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એએમસીની ફાયર ઇમરજન્સી અને એસ્ટેટ વિભાગની નોર્થ-વેસ્ટ ઝોનની ટીમે પશ્ચિમ વિસ્તારના મુખ્ય વ્યાપારી કેન્દ્રો પર વિશેષ ઓડિટ હાથ ધર્યું હતું. આ તપાસ ગુજરાત ફાયર એક્ટ, જીડીસીઆર,એનબીસી અને બીઆઇએસની કડક માર્ગદર્શિકાઓ હેઠળ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન હોટેલોના કિચન, ફાયર ફાઇટિંગ સિસ્ટમની કાર્યક્ષમતા, ઇમરજન્સી એક્ઝીટ અને લાઇફ સેફ્ટી વ્યવસ્થાઓમાં ગંભીર ખામીઓ અને નિયમોનો ભંગ જાવા મળ્યો હતો, જેના પગલે તંત્રએ સીલિંગના કડક પગલાં ભર્યા હતા.
જે હોટલો સીલ કરવામાં આવી છે તેમાં હોટેલ રુદ્ર (ન્યૂયોર્ક ટાવર, એસ.જી. હાઇવે, થલતેજ),હોટેલ ૪ ફૂડ (થલતેજ),હોટેલ કેપટાઉન (થલતેજ),એપોલો હોટેલ (બોડકદેવ),હોટેલ ગ્રાન્ટ (બોડકદેવ),હોટેલ લેક ઇન (ગુરુકુલ રોડ, વસ્ત્રપુર)નો સમાવેશ થાય છે
ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શહેરમાં ઝડપથી વધી રહેલા વ્યાપારી સંકુલો અને ભીડભાડવાળા સ્થળોને ધ્યાનમાં રાખીને આ વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ આ જ રીતે ચાલુ રહેશે અને નિયમોનું પાલન ન કરનારી કોઈપણ મિલકતને બક્ષવામાં નહીં આવે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માનવ જિંદગી સાથે રમત રમનારી કોઈપણ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં પણ સહન કરવામાં આવશે નહીં.