રાજ્યના આદિવાસી અને દૂરદરાજના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે જ્યાં સુધી પરંપરાગત આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચી શકતી ન હતી, ત્યાં સુધી મેડિકલ ટીમો ખાસ દ્વિચક્રી વાહનો અને મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા પહોંચીને લોકોની સારવાર અને આરોગ્ય તપાસ કરશે.
ગાંધીનગર ખાતે સચિવાલય સંકુલમાંથી ૫૧ દ્વિચક્રી હેલ્થ યુનિટ અને ૯ મોબાઈલ હેલ્થ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવી આરોગ્ય સેવા વ્યવસ્થા દ્વારા એવા વિસ્તારોને આવરી લેવામાં આવશે જ્યાં પહોંચવું મુશ્કેલ છે અને જ્યાં આરોગ્ય સુવિધાઓની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી.
આ મહત્વપૂર્ણ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.
ઘણા આદિવાસી અને પર્વતીય વિસ્તારોમાં રસ્તાઓની મર્યાદિત સુવિધાને કારણે મોટા વાહનો પહોંચી શકતા નથી. આવી સ્થિતિમાં દ્વિચક્રી હેલ્થ યુનિટ આરોગ્ય કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વાહનો મારફતે આરોગ્યકર્મીઓ જરૂરી દવાઓ, પ્રાથમિક સારવારની સામગ્રી અને આરોગ્ય તપાસની સુવિધા સાથે સીધા ગામડાં સુધી પહોંચી શકશે.
મોબાઈલ હેલ્થ યુનિટમાં આરોગ્ય તપાસ માટે જરૂરી સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેના કારણે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના લોકોને સારવાર માટે શહેરો સુધી લાંબા અંતર કાપવાની જરૂરિયાત ઓછી થશે. સમયસર નિદાન અને સારવાર મળવાથી આરોગ્ય ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન જાવા મળી શકે છે.
રાજ્ય સરકારનો આ પ્રયાસ આરોગ્ય સેવાઓને લોકોના દ્વાર સુધી પહોંચાડવાના વિઝનને વધુ મજબૂત બનાવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં માતા-બાળ આરોગ્ય, રસીકરણ, સામાન્ય રોગોની તપાસ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમોને વધુ ગતિ મળશે.