ધોરાજી શહેરના ભૂખી ચોકડી પાસે આવેલા મહેશ નગર સહિતના વિવિધ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ૨૦ વર્ષથી પાકા રસ્તાની સુવિધા ન મળતાં સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી હતી, જેના કારણે વર્ષો જૂના કાચા રસ્તાઓ સંપૂર્ણપણે બિસ્માર અને ધોવાઈ ગયા છે. સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ કક્ષાએ અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા આજદિન સુધી સી.સી. રોડ બનાવવાની કોઈ નક્કર કામગીરી શરૂ કરવામાં આવી નથી. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓ બેવડાય તે પહેલાં નગરપાલિકા આ વિસ્તારમાં સદંતર સી.સી. રોડ રસ્તાનું કામ તાકીદે હાથ ધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.







































