સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાના મકાનના ગેરકાયદેસર બાંધકામને તોડવાનો મામલો હવે ભારે વિવાદોમાં સપડાયો છે. આ સમગ્ર ઘટનાક્રમમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને જાણે “ઉલટા ચોર કોટવાલ કો ડાટે” જેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચા સ્થાનીક સ્તરે જાર પકડી રહી છે. સુરતમાં ભાજપના રાષ્ટ્રીય નેતાનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યાના કલાકમાં અધિકારીઓએ જાતે બાંધકામ કરી આપ્યું હતું.
સુરત મ્યુનિસિપલ કોપોરેશનની ટીમે એક ગેરકાયદેસર પતરાંનું બાંધકામ તોડી પાડ્યું અને ત્યાંથી જપ્ત કરેલો સામાન ગાડીમાં ભરીને લઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ થોડાક જ સમયમાં મનપાની એ જ સરકારી ગાડી જપ્ત કરેલો બધો સામાન તે જ જગ્યાએ પાછો મૂકી ગઈ હતી. તપાસ કરતાં જાણવા મળ્યું છે કે મનપાએ જે ફ્લેટમાંથી પતરાનું બાંધકામ તોડ્યું હતું, તે ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાનો છે.
સુરતના નાસીરનગરમાં ગરીબોના મકાનો તોડી પાડનારી મનપા શાસક પક્ષના નેતા સામે લાચાર બની ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સામાન્ય જનતા સામે લાલ આંખ કરતી અને રોફ જમાવતી મનપા ભાજપના નેતાના શરણોમાં નમી ગઈ હોય તેવી સ્થીતિ સર્જાઈ છે. સામાન્ય રીતે સુરત મનપા જ્યારે કોઈ સામાન જપ્ત કરે છે, ત્યારે તેને છોડાવવા માટે દંડ ભરવો પડે છે, લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને ક્યાંરેક તો મહિનાઓ સુધી ધક્કા ખાવા પડે છે. પરંતુ આ કેસમાં મનપાએ જે સ્પીડ બતાવી તે ડિજિટલ ઈન્ડીયાના જમાનામાં પણ અશકય લાગે તેવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા મનપાની પોલ ખુલી ગઈ છે.
ચોંકાવનારી વિગત એ છે કે જે મહિલાએ ભાજપના નેતા બાબુભાઈ જેબલિયાના મકાનમાં ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે હિંમત કરીને ફરિયાદ નોંધાવી હતી, તેને જ હવે તંત્ર દ્વારા નિશાન બનાવવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેર કે. એલ. વસાવા દ્વારા ફરિયાદી મહિલા ઉષાબેન ગુજરીયાને જ એક નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ નોટિસમાં ફરિયાદીને પૂછવામાં આવ્યું છે કે, “તમારા ઘરનું ગેરકાયદેસર બાંધકામ કેમ દૂર ન કરવું? તંત્ર દ્વારા ફરિયાદીના ઘરની બારી ગેરકાયદેસર હોવાનું દર્શાવીને આ નોટિસ બજાવવામાં આવી છે. જેને પગલે લોકમુખે ચર્ચા છે કે સુરત મહાનગરપાલિકા સત્તાધારી પક્ષના નેતાના દબાણ હેઠળ આવીને જાણે બાબુ જેબલિયાના ખોળામાં બેસી ગઈ છે.
એક તરફ આક્ષેપ થઈ રહ્યો છે કે બાબુ જેબલિયાના ભાડુઆતો પાડોશીઓને ધમકીઓ આપી રહ્યા છે અને વાતાવરણ તંગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર કે. એલ. વસાવાએ જે પ્રકારે ફરિયાદી સામે જ કાર્યવાહીનો કોરડો વીંઝ્યો છે, તેનાથી પાલિકાની કામગીરીનું પોત પ્રકાશ્યું છે. સામાન્ય નાગરિકોમાં એવો મેસેજ જઈ રહ્યો છે કે મોટા નેતાઓ સામે ફરિયાદ કરનારને તંત્ર હેરાન કરે છે.
આ ગંભીર આક્ષેપો અને સરેન્ડર થવાના મામલે કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેર કે. એલ. વસાવાએ તંત્રનો બચાવ કરતા જણાવ્યું છે કે, પાલિકા પર લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ કોઈના પણ દબાણમાં આવતા નથી કે કોઈની સામે સરેન્ડર થતા નથી. તેમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ સમગ્ર મામલામાં કાયદાકીય જાગવાઈઓ મુજબ જ કામગીરી કરવામાં આવી છે. શરૂઆતમાં ફરિયાદી ઉષાબેન દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી, તેના આધારે નિયમ મુજબ યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવી જ હતી. પરંતુ, ત્યારબાદ ત્યાં રહેતા અન્ય પાડોશીઓ દ્વારા ઉષાબેન વિરુદ્ધ પણ ગેરકાયદે બાંધકામની વળતી ફરિયાદ કરવામાં આવી હતી.
આથી, બંને પક્ષ તરફથી આવેલી ફરિયાદોના આધારે કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે જ નોટિસ ફટકારવામાં આવી છે. પાલિકા ભલે આને તટસ્થ કાયદાકીય પ્રક્રિયા ગણાવી રહી હોય, પરંતુ રાજકીય વગ ધરાવતા નેતા સામેની ફરિયાદ બાદ તુરંત જ ફરિયાદી મહિલાને નોટિસ મળતા તંત્રની નિષ્પક્ષતા સામે મોટા સવાલો ઊભા થયા છે.









































