ખાંભા તાલુકાના ખડાધાર ગામમાં કાળા સસલાના શિકારનો મામલો સામે આવતા વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે વન વિભાગની ટીમે ગામના એક શખ્સના ઘરે દરોડો પાડી તપાસ કરતાં ફ્રીજમાંથી જંગલી કાળા સસલાના અવશેષો મળી આવ્યા હતા. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. વન વિભાગે ખડાધાર ગામના અરવિંદ ભગવાનભાઈ ચૌહાણના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેમના ફ્રીજમાંથી કાળા સસલાના અવશેષો મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં અરવિંદ ચૌહાણે સસલાનો શિકાર કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ વન વિભાગે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જપ્ત કરાયેલા માંસના નમૂનાઓ વધુ તપાસ અને વૈજ્ઞાનિક ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા છે.








































