વન વિભાગ અને પોલીસે એફ.એસ.એલ. રિપોર્ટના આધારે તપાસ તેજ કરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં છેલ્લા આઠ દિવસથી ગુમ થયેલા સ્થાનિક ખેડૂત દિલીપભાઈ દેસાઈના હાડકાં અને અન્ય અવશેષો મળી આવ્યા છે. આ પૂર્વે ગત રોજ તેમના જ ખેતરમાંથી તેમનું ટ્રેક્ટર, બૂટ અને લોહીથી લથબથ કપડાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતાં વન વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં સઘન સ્કેનિંગ હાથ ધરીને તપાસ શરૂ કરી હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખેડૂત પર સિંહે હુમલો કર્યો હોઈ શકે છે. હાલમાં મૃતકના અવશેષોને સાવરકુંડલાથી ભાવનગર ખાતે એફ.એસ.એલ. (FSL) લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. આ એફ.એસ.એલ. રિપોર્ટ આવ્યા બાદ જ ખેડૂતના મોતનું સાચું કારણ અને સિંહના હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.









































