શ્રી અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત, ચક્કરગઢ રોડ પર આવેલા શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે નવા શૈક્ષણિક સત્રની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાની સ્કૂલ, કોલેજ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે સત્ર શુભારંભ નિમિત્તે એક ભવ્ય
સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સંગીત સંધ્યામાં જાણીતા કલાકાર રશ્મીબેન પરમાર દ્વારા દેશભક્તિ, ફિલ્મી ગીતો અને લોકગીતોની શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંકુલના વિશાળ મેદાનમાં ઉપસ્થિત સેંકડો વિદ્યાર્થીઓએ આ સંગીતમય માહોલનો ભરપૂર આનંદ માણ્યો હતો અને ગીતોના તાલ પર ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્‌યા હતા. સંસ્થાના મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા નવા સત્રની શરૂઆત ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉજવણીમય વાતાવરણમાં થઈ હતી.