ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. પરિણામે રાજ્યસભાની આ ચાર બેઠકો પર હવે કોઈ મતદાનની જરૂર રહેશે નહીં. ચૂંટણી પ્રક્રિયાના અંતિમ તબક્કામાં અન્ય કોઈ માન્ય ઉમેદવાર મેદાનમાં ન રહેતા ભાજપના ઉમેદવારોને સીધી જીત મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી.
ભાજપ તરફથી મેદાનમાં રહેલા રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝરીયા અને મુકેશ રાઠવા હવે સત્તાવાર રીતે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજય મળતા પાર્ટી કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો
રાજકીય વિશ્લેષકોના મતે, ગુજરાતમાં ભાજપની મજબૂત સંગઠનાત્મક સ્થિતિ અને વિધાનસભામાં સંખ્યાબળના કારણે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષને અનુકૂળ સ્થિતિ મળી છે. બિનહરીફ જીતથી પક્ષે પોતાની રાજકીય પકડ વધુ એક વખત સાબિત કરી છે. ચૂંટણી તંત્ર દ્વારા નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય વિજેતા ઉમેદવારોને વિજયનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને મતદાન વિના પૂર્ણ થઇ હતી
ચૂંટણી પ્રક્રિયાની વિગતવાર વહીવટી વાત કરીએ તો, આ વર્ષે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ વિપક્ષી રાજકીય પક્ષ દ્વારા પોતાના અધિકૃત ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા ન હતા. માત્ર સત્તાધારી પક્ષ ભાજપના જ ૪ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા. સ્ક્રુટિની એટલે કે ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં તમામ ફોર્મ કાયદાકીય રીતે યોગ્ય અને માન્ય ઠર્યા હતા. ત્યારબાદ આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નક્કી કરેલો સમય પૂરો થતાં જ તમામ ૪ ઉમેદવારો ટેકનિકલી અને કાયદેસર રીતે વિજેતા બન્યા. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનું મતદાન કરવાની જરૂર પડી નથી, જેના કારણે સરકારી તંત્રનો પણ મોટો સમય બચ્યો છે.










































