નવસારી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે જિલ્લા પોલીસે કડક વલણ અપનાવી વિશેષ અભિયાન હાથ ધર્યું છે. ‘સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેઈન્સ્ટ ડ્રગ્સ’ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી પોશડોડા પાવડર અને દોઢ કિલોથી વધુ ગાંજા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
ગણદેવી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે નં. ૪૮ પર એંધલ ગામ નજીક આવેલી શ્રી ધારા આઈમાતા હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી હોટલ માલિક દિલીપકુમાર પ્રજાપતિને નશામાં ઉપયોગમાં લેવાતો અંદાજે ૨.૯૬૧ કિલો પોશડોડા પાવડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા પોશડોડા પાવડરની કિંમત રૂ. ૪૪,૪૫૧ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કુલ રૂ. ૫૪,૪૫૧નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ ઉપરાંત ચીખલી પોલીસે ખૂંધ ગામેથી ૬૩ વર્ષીય મહેમુદબીન આરબને દોઢ કિલોથી વધુ ગાંજા સાથે ઝડપી પાડી રૂ. ૮૨ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વાંસદા પોલીસે નવતાડ ગામેથી ૫૪૭ ગ્રામ ગાંજા સાથે કૃણાલ ઠાકરેની ધરપકડ કરી હતી. ખેરગામ પોલીસે એક સગીરને ગાંજાની ત્રણ પડીકીઓ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીલીમોરા પોલીસે લીમડા ચોક વિસ્તારમાંથી રીઢા ગુનેગાર રાજુ ઉર્ફે ટોપી વૈદને અંદાજે ૩૫૫ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો.
જિલ્લા પોલીસની આ સંયુક્ત કાર્યવાહીમાં કુલ પાંચ આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, જિલ્લામાં નશાના વેપાર અને સેવનને રોકવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે.










































