સાવરકુંડલામાં રહેતા એક વેપારીએ ‘તમે મારી પત્નીના ફોટા તમારા મોબાઇલમાં કેમ પાડો છો?’ તેમ પૂછતાં તેમને ગાળો આપવામાં આવી હતી અને હુમલો કરાયો હતો. આ અંગે હેમાંગભાઇ ચંપકલાલ ગઢીયા (ઉ.વ.૪૯)એ રાજેશભાઇ ઉમીયાશંકર મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ૧૮/૦૫/૨૬ના રોજ તેઓ રાત્રિના આશરે આઠેક વાગ્યે ધારાસભ્યના ઘરે રાખવામાં આવેલી બેઠકમાં જવા તેમના પત્ની સાથે ઘર પાસે શેરીમાં ઉભા હતા. ત્યારે તેમના પત્નીએ કહ્યું કે, સામે ઉભેલી વ્યક્તિ તેના મોબાઇલમાં મારા ફોટા પાડે છે. જેથી તેઓ આરોપી પાસે ગયા હતા અને કહ્યું કે, ‘તમે મારી પત્નીના ફોટા તમારા મોબાઇલમાં કેમ પાડો છો, મને તમારો મોબાઇલ બતાવો.’ જે બાબતનું મનદુઃખ રાખી આરોપી રાજેશભાઇએ તેમને ગાળો આપી હતી, તેમજ પથ્થર મારીને તેમના ડાબા ખભાના ભાગે મૂઢમાર મારી ઇજા પહોંચાડી હતી.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કે. ડી. રાઠોડ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.











































