પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના તમામ નોંધાયેલા લાભાર્થીઓ માટે આગામી હપ્તાનો લાભ મેળવવા માટે આગામી ૩૦ જૂન સુધીમાંu e-KYC પૂર્ણ કરવું ફરજિયાત છે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિર્દેશ અનુસાર, દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા પહેલાં આ વાર્ષિક પ્રક્રિયા કરાવવી આવશ્યક છે. જો ખેડૂતો આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેઓ યોજનાના લાભથી વંચિત રહી શકે છે. લાભાર્થીઓ ગ્રામ્ય કક્ષાએ નોડલ ઓફિસર અથવા PM-KISAN મોબાઇલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરીને જાતે જ આ પ્રક્રિયા સરળતાથી કરી શકે છે. આ ઉપરાંત, નજીકના સીએસસી (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ e-KYC કરાવી શકાશે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ ખેડૂતોને સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા ખાસ અપીલ કરી છે.