પંચમહાલ જિલ્લાના હાલોલમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. હાલોલની એક સોસાયટીમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ તેના જ બે માસૂમ બાળકોની નજર સામે પત્નીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. મામી અને ભાણેજ વચ્ચેના કથિત આડા સંબંધોની શંકાના કારણે આ આખા હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આ લોહિયાળ ઘટના હાલોલની યમુનાજી નગર સોસાયટીમાં ઘટી છે. પતિને તેની પત્ની અને તેના જ સગા ભાણા વચ્ચેના આડા સંબંધો હોવાની આશંકા હતી. આ દરમિયાન પતિના હાથમાં પત્ની અને ભાણા વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ આવી ગઈ હતી. આ ચેટ વાંચ્યા બાદ પતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણે પત્નીને મોતના ઘાટ ઉતારવાનો ભયાનક પ્લાન બનાવી લીધો હતો.
હત્યારા પતિએ ક્રૂરતાની તમામ હદો પાર કરી નાખી હતી. રાત્રિના સમયે ઘરના બેડરૂમમાં તેના બે માસૂમ બાળકો હાજર હતા. દીકરીની નજર સામે જ કળિયુગી પતિએ પત્ની પર હુમલો કર્યો હતો. તેણે પહેલા પત્નીનું ગળું દબાવ્યું હતું અને ત્યારબાદ ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. નિર્દયી પતિએ પોતાની જ પત્નીનું ગળું કાપીને તેને લોહીલુહાણ હાલતમાં મોતને ઘાટ ઉતારી દીધી હતી. માસૂમ બાળકો પોતાની માતાને નજર સામે દમ તોડતી જાઈ ચીસો પાડી ઉઠ્યા હતા.
આ ચકચારી હત્યાકાંડને અંજામ આપ્યા બાદ આરોપી પતિમાં કોઈ પસ્તાવો ન હોય તેમ, તે જાતે જ હાલોલ ટાઉન પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. તેણે પોલીસ સમક્ષ જઈને પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતાં જ હાલોલ ટાઉન પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અસરથી યમુનાજી નગર સોસાયટી ખાતે સ્થિત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
હાલમાં હાલોલ ટાઉન પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ આકરા કાયદાકીય પગલાં ભરી ગુનો નોંધી લીધો છે અને તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. કેસ સખત બને અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ દ્વારા વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ માટે એફએસએલ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ્સની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવીને જરૂરી સેમ્પલો અને પુરાવાઓ લેવામાં આવ્યા છે. માસૂમ બાળકોની નજર સામે જ પિતાએ માતાની હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.








































