પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલ તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ યુસુફ પઠાણને વડોદરાની વિવાદિત જમીન મામલે ગુજરાત હાઈકોર્ટમાંથી કડક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમીનનું કાયદેસર એલોટમેન્ટ થયું જ ન હોય તો તેના પર કબજા કેવી રીતે કરી શકાય? કોર્ટે ચેતવણી આપી કે જા જમીન ખાલી કરવામાં નહીં આવે તો દંડ ફટકારવામાં આવશે અને જરૂર પડે તો સત્તાવાળાઓને કબજો પાછો મેળવવાનો આદેશ આપવામાં આવશે.
સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે યુસુફ પઠાણને જમીન ફાળવવા અંગે માત્ર સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ હતો. જમીન ફાળવણીનો અંતિમ આદેશ કે લીઝ ડીડ ક્યારેય થઈ નથી. તેમ છતાં જમીન પર કબજા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. કોર્ટે સવાલ કર્યો કે જ્યારે જમીનનું એલોટમેન્ટ થયું જ નથી ત્યારે તેના પર કબજા કેવી રીતે કરવામાં આવ્યો? સાથે જ કોર્ટે જણાવ્યું કે જાહેર હરાજી વિના કોઈ વ્યક્તિને સીધી જમીન ફાળવી શકાય નહીં અને આ માટે પારદર્શક પ્રક્રિયા જરૂરી છે.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે સરકારી જમીન પર અનધિકૃત રીતે વાડ કે અન્ય માળખું ઉભું કરવું ગંભીર બાબત છે. કોર્ટે ટિપ્પણી કરી કે યુસુફ પઠાણ આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટર રહ્યા છે અને તેમની પાસેથી કાયદાનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.કોર્ટે એ પણ જણાવ્યું કે જમીનનો ઉપયોગ ન કરવામાં આવતો હોય તો પણ ગેરકાયદેસર કબજા ગણાશે અને તેના બદલામાં બજાર દર મુજબનું ભાડું અથવા વળતર ચૂકવવું પડી શકે છે.
માહિતી મુજબ, યુસુફ પઠાણે વર્ષ ૨૦૧૨માં વડોદરામાં એક પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ બજાર કિંમતે જમીન આપવા પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. આ પ્રસ્તાવને જનરલ બોડીની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યો હતો. જાકે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪માં જ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં વર્ષ ૨૦૨૪માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જમીન ફાળવણીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો અને પ્લોટ પરથી કબજા દૂર કરવા સૂચના આપી હતી.
યુસુફ પઠાણ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ ૧૯૯૯ની રાજ્ય સરકારની નીતિ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવવાની જાગવાઈ છે. ઉપરાંત, તેઓ જમીનની વર્તમાન બજાર કિંમત ચૂકવવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું.પઠાણ પક્ષે દલીલ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાયત્ત સંસ્થા હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નહોતી. તેમજ તેઓ લાંબા સમયથી પ્લોટના કબજામાં હોવાથી અચાનક કાર્યવાહી કેમ કરવામાં આવી તે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો.
હાઈકોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું કે યુસુફ પઠાણને જમીનનો કબજા કોણે આપ્યો હતો? કોર્ટે જણાવ્યું કે જા સંબંધિત અધિકારીનું નામ આપવામાં આવશે તો તેની સામે પણ તપાસના આદેશ આપી શકાય.સાથે જ કોર્ટે સૂચન કર્યું કે જા જમીન ખાલી નહીં કરવામાં આવે તો સત્તાવાર રીતે કબજા પાછો મેળવવાની કાર્યવાહી શરૂ થઈ શકે છે.
આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી ૧૫ જૂનના રોજ હાથ ધરાશે. આગામી સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ જમીન ખાલી કરવા અંગે શું વલણ અપનાવે છે અને કોર્ટ શું અંતિમ નિર્દેશ આપે છે તેના પર સૌની નજર રહેશે.
હાલ માટે હાઈકોર્ટની ટિપ્પણીઓએ સમગ્ર કેસને વધુ ગંભીર બનાવી દીધો છે અને વડોદરાની આ જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.








































