(૧)એવી કઈ વસ્તુ છે જે ખાવાથી સુખ પેટમાં જાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
સુખડી
(૨) પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે પતો શું કરવું?)
જૂનું જૂનું લાગે એમાં શું વાંધો? ઉનું ઉનું લાગે તો ઉપાધિ!
(૩)જુઠ્ઠાની જીત અને સાચાનું સત્યાનાશ.. આમ કેમ ચાલી રહયું છે?
રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
તપાસ કરી ને કહું!
(૪)અડધી છીંક આવીને જતી રહી; આવી રીતે કોણે મને યાદ કર્યો હશે ?
કનુભાઈ પરમાર (દામનગર)
તમારા ને તમારા કોઈએ ભૂલમાં યાદ કર્યા હશે. એ ફરીવાર પણ યાદ કરશે એટલે બાકીની અર્ધી છીંક માટે તૈયાર રહેજો.
(૫)બુધ્ધિ વેચાતી હશે?
નીરવ ડણાંક (અમરેલી)
વેચવી છે કે ખરીદવી છે?
(૬)સૂર્ય અચાનક ઊગવાનું બંધ કરી દે તો?
રમાબેન પટેલ (અમદાવાદ)
રાતપાળી નોકરી કરતા હોય એને આજીવન અખંડ નોકરી કરવી પડે.
(૭)મારે ભીષ્મ પિતાની જેમ કોઈ પ્રતિજ્ઞા લેવી છે તો પાળી શકું એવી પ્રતિજ્ઞા બતાવો.
રામભાઈ પટેલ (સુરત)
એવી પ્રતિજ્ઞા લો કે ક્યારેય કોઈ પ્રતિજ્ઞા નહીં લઉં.
(૮)ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના ધીરે ધીરે શું કામ?
દર્શન પટેલ (વડોદરા)
ઝડપથી પાછું ફરી શકાય એ માટે.
(૯)લીલી ઘોડીને લાલ લગામ જ કેમ?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
તમે એ સ્પષ્ટ નથી કર્યું કે ઘોડાનો રંગ બદલવો છે કે લગામનો!
(૧૦)સાહેબ..! જંગલમાં જ મંગલ કેમ હોય..!
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
મંગલને જંગલમાં ફરજ સોંપાઈ હોય તો જંગલમાં જ રહેવું પડેને!
(૧૧)તું તો ખોટા રુપિયાની જેમ પાછો આવ્યો એવું મને કોઈ કહે તો આમાં મારૂં મૂલ્ય થયું કે અવમૂલ્યન?
(હરિભાઈ ધોરાજિયા(લીલિયા મોટા)
અવમૂલ્યન થયું રૂપિયાનું!
(૧૨)વળવાંગડાને હીંચકાની જરૂર પડે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આવું બધું માણસને જોઈએ, એ લોકો તો ટીંગાઈ ત્યાં હીંચકો બની જાય.
(૧૩)મને ખીલ બહુ થાય છે. શું કરવું?
મનુભાઈ વિઠ્ઠલભાઈ (રાજકોટ)
આ તમારી એકની સમસ્યા નથી, ખીલ એ અખિલ વિશ્વની સમસ્યા છે.
(૧૪)બીમારી ન થાય એ માટે કોઈ સલાહ આપશો?
જય દવે (ભાવનગર)
હુ(ઉૐર્ં) સલાહ આપે તો થાય, હું શું આપું?!
(૧૫)ટ્રમ્પના તોફાન ક્યારે ટળશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
હવે બે અઢી વરસ બાકી હશે, પછી તમે ફોર્મ ભરજો.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..