એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન સાત મુખ્ય શહેરોમાં ઘરોનું વેચાણ ૬ ટકા ઘટીને ૯૦,૭૧૫ યુનિટ થયું. આર્થિક અનિશ્ચિતતા અને મકાનોના વધતા ભાવ આ ઘટાડા માટે મુખ્ય કારણો હતા. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ એનારોક દ્વારા સોમવારે જારી કરાયેલા ડેટા દ્વારા આ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન, દિલ્હી-એનસીઆર, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતામાં કુલ ઘર વેચાણ ૯૬,૨૮૫ યુનિટ હતું.
રિપોર્ટ મુજબ, ૨૦૨૫ ના સમાન સમયગાળાની તુલનામાં આ સાત શહેરોમાં સરેરાશ ઘરના ભાવમાં વર્તમાન ક્વાર્ટરમાં ૭ ટકાનો વધારો થયો છે. રસપ્રદ વાત એ છે કે, એનારોકના એપ્રિલ-જૂન ક્વાર્ટરના વેચાણના આંકડા તાજેતરમાં લિસ્ટેડ કંપની પ્રોપઇકવીટીના અહેવાલથી સંપૂર્ણપણે અલગ છે.
પ્રોપઇકવીટીએ દાવો કર્યો હતો કે ચાલુ ક્વાર્ટરમાં ઘરનું વેચાણ ૧૯ ટકા વધીને ૧૧૨,૪૫૮ યુનિટ થયું છે. રિપોર્ટ પર ટિપ્પણી કરતા, એનારોકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે, “આ આંકડા અપેક્ષિત વલણો સાથે સુસંગત છે, કારણ કે પશ્ચિમ એશિયામાં યુદ્ધની અસર સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.” “પશ્ચિમ એશિયાઈ યુદ્ધથી ઉદ્ભવતા અવરોધો અને આઇટી/આઇટીઇએસ ક્ષેત્રમાં એઆઇ સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે, ઘણા ખરીદદારો હાલમાં તેમના ખરીદીના નિર્ણયો મુલતવી રાખી રહ્યા છે.”
અનુજ પુરીએ જણાવ્યું હતું કે મકાનોની માંગમાં વધારો હવે મુખ્યત્વે પ્રીમિયમ મકાનો, ગ્લોબલ કોમ્પીટન્સી સેન્ટર આધારિત રોજગાર કેન્દ્રો અને માળખાગત વિકાસ ધરાવતા ક્ષેત્રો સુધી મર્યાદિત છે.
ડેટા અનુસાર, દેશના આ સાત મુખ્ય શહેરોમાં નવા મકાન પ્રોજેક્ટ્સની ઓફર અને ડિલિવરી એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન ૭ ટકા વધીને ૧૦૬,૦૦૦ યુનિટ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૯૮,૬૨૫ યુનિટ હતી. કન્સલ્ટન્સી ફર્મે જણાવ્યું હતું કે આ સાત શહેરોમાં સરેરાશ રહેણાંક કિંમતમાં આ કેલેન્ડર વર્ષના બીજા ક્વાર્ટરમાં રહેણાંક કિંમતોમાં વાર્ષિક ધોરણે ૭ ટકાનો વધારો નોંધાયો છે. દિલ્હી-એનસીઆરમાં રહેણાંક કિંમતોમાં સૌથી વધુ ૧૩ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે.








































