જાફરાબાદના ખારવાવાડ શાકમાર્કેટ વિસ્તારમાં કૌટુંબિક કલેશમાં જમાઈએ પોતાના સાસુ પર હિંસક હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. ઘર કંકાસના કારણે પિતાના ઘરે રહેતી પત્નીને તેડવા બાબતે થયેલા વિવાદમાં આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે હીરાબેન ભીખાભાઇ રામજીભાઇ બારૈયાએ મીતીયાળા ગામના લાલજીભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દીકરીના લગ્ન આરોપી સાથે થયા હતા. જોકે, લગ્નજીવનમાં આરોપી દ્વારા દીકરીને હેરાન-પરેશાન કરવામાં આવતી હોવાથી તે છેલ્લા કેટલાક સમયથી જાફરાબાદ ખાતે પોતાના માતા-પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. આરોપી અવારનવાર તેની પત્નીને લેવા માટે આવતો હતો, પરંતુ તેઓનું કહેવું હતું કે તેઓ દીકરીને સમાજના આગેવાનો અને સાસરી પક્ષના વડીલોની હાજરીમાં જ સાસરે મોકલશે. દીકરીને તુરંત સાથે ન મોકલતા જમાઈ આ બાબતનું મનદુઃખ રાખીને બેઠો હતો. જમાઈએ જાફરાબાદના ખારવાવાડ શાકમાર્કેટમાં આવીને ફાઈબરના ધોકા વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. જેમાં માથાના ભાગે મુંઢ ઈજાઓ થઈ હતી, જ્યારે જમણા હાથ પર ગંભીર ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. ઉપરાંત જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.