અમરેલી શહેરમાં એક નશાખોર શખ્સે સોસાયટીના રહીશ પર ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શખ્સના અવારનવારના ત્રાસથી સોસાયટીના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ બનાવ અંગે કૈલાસબેન મનસુખભાઇ વામજા (ઉંમર વર્ષ ૫૦) એ જીતુભાઇ ભુપતભાઇ વામજા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અમરેલીમાં રહેતો જીતુભાઈ નામનો શખ્સ અવારનવાર નશાની હાલતમાં સોસાયટીમાં આવી જેમ ફાવે તેમ ગાળો બોલી આતંક મચાવતો હતો. આ શખ્સના સતત ત્રાસથી કંટાળીને સોસાયટીના રહીશોએ અગાઉ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ અરજી અને ફરિયાદ પણ કરી હતી. સોસાયટીના રહીશોએ કરેલી આ ફરિયાદનું મનદુઃખ રાખીને આરોપી ફરીથી નશાની હાલતમાં આવ્યો હતો. તેણે ફરિયાદીને આંતરીને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. ઉશ્કેરાયેલા આરોપીએ પોતાની વાન તેમના પર ચડાવી દઈ તેમને કચડી નાખવાનો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તે જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. હાલ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ દિનેશભાઇ વીનુભાઇ સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.










































