એક શુભ વિચાર માણસને જીવન જીવવાની કળા સાથે નવો રાહ ચીંધે છે. કેટલાક મહાપુરુષો દ્વારા લખાયેલા સુવાક્યો મનુષ્યને આંતરિક ઉર્જા પ્રદાન કરે છે. તેમજ હકારાત્મક ભાવ સાથે કર્મ કરવાની જિજ્ઞાસા જન્માવે છે. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં દિવાલ તેમજ થાંભલાઓ ઉપર સુંદર અક્ષરે સુવાક્યો શાળાના શૈક્ષણિક વૃંદને જીવંત રાખે છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. આ વાક્ય મનુષ્યને એ અર્થસભર પ્રેરણા આપે છે કે આ જીવનમાં નિષ્ફળતા આવે તો ડરવાની જરૂર નથી. પરંતુ તમે તમારા મુકામ સુધી પહોંચવા માટે સતત કર્મ કરતા રહો, ફળની આશા રાખ્યા વગર તેને લક્ષ્ય સુધી પહોંચાડવા માટે સતત કોશિશ કરતા રહો. એટલે તો કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.. આ બધા વાક્યો વાંચવાથી આંતરિક જુસ્સો મનુષ્યમાં નિર્માણ થાય છે.
એક બાંકડા પરનું ‘અર્થસભર’લખાણ…અહીં‘થાકી’ ને બેસવાની છૂટ છે…’હારી’ ને નહી. ગામડાઓમાં વૃદ્ધ લોકો માટે અથવા તો રાહદારીઓ માટે બાકડા મુકેલા હોય છે. પરિવારથી અથવા અન્ય કંટાળાથી આવીને શાંતિ મેળવવા લોકો એકાંતમાં બેસતા હોય છે. તેવા સમયે કંટાળેલા માણસને આ વાક્ય કેટલો સુંદર મેસેજ આપી જાય છે. હિંમત હારવાથી કશું જ પ્રાપ્ત થતું નથી. કોશિશ કરવાથી લક્ષ્ય તરફ જવાય છે.ધોરણ ૧૦ થી ૧૨ બોર્ડ પરિણામો જાહેર થવાના છે.એવા સમયે બાળકો ઓછા પરિણામના કારણે તણાવમાં આવી જતા હોય છે. મેં આટલી બધી મહેનત કરી અને મારું પરિણામ કેમ ઓછું આવ્યું છે. એના કારણે ગભરામણ અને નાસીપાસ થઈ જતા હોય છે. આવા સમયે હિંમત રાખીને મનોમન મક્કમતાથી આગલા વર્ષે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે કઠોર પરિશ્રમ એ જ યોગ્ય માર્ગ છે.તેવી વિચારસરણી વિદ્યાર્થીઓમાં નિર્માણ થવી અનિવાર્ય છે. આજે ટકા અને પર્સન્ટાઇલ રેન્કથી વિદ્યાર્થીઓની ઓળખ થાય છે. વિદ્યાર્થી તો વિદ્યાર્થી જ છે..પરંતુ તેની આંતરિક શક્તિઓને ઉજાગર કરવા માટે મોટિવેશન અને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.
પર્યાવરણના સંરક્ષણ માટે છોડમાં રણછોડ આવું લખેલું હોય છે. તેવા સમયે ડાકોરની પૂનમ ભરનારા કેટલાક ખેડૂતો વૃક્ષો વેચીને ભજન, કીર્તન અને સામાજિક ઉત્સવ કરતા હોય છે ત્યારે છોડમાં રણછોડ ક્યાં ગયા? શબ્દોનો ભાવાર્થ સમજી વિચારી અને તેનું યોગ્ય અમલીકરણ કરવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.લગ્ન પ્રસંગે એટલો બધો એઠવાડ થાય છે કે ના પૂછો વાત. વેલ એજ્યુકેટેડ લોકોની થાળીમાં અન્નદેવને એઠવાડ દેવ બનાવતા માણસોને કેવા શિક્ષિત અથવા તો અશિક્ષિત ગણવા? આપણા વડવાઓ થાળીમાં પાણી નાખીને એક દાણો બગડે નહીં તે માટે તે પાણી પી જતા હતા. તેમની પાસે તો શિક્ષણ નહોતું પરંતુ હૃદયની સમજણ હતી.આવી બધી નાની નાની વાતો ખૂબ મોટો મેસેજ આપી જાય છે. ગમે તેટલા ફૂડ સિક્યુરિટી બિલ લાવો પરંતુ જ્યાં સુધી અનાજનું મહત્વ ના સમજે ત્યાં સુધી બધું નિરર્થક છે. આજના ભૌતિક અને લાલસાવાળા યુગમાં મારે શું? આ જ રાષ્ટ્ર પ્રેમ છે? પછી દેશ ક્યાંથી પ્રગતિ કરે? સમાજના તમામ લોકો સંસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કોઈ તકલીફ જ નથી. બધી જ જગ્યાએ શું વાક્યો લગાવવાથી પરિવર્તન આવી જશે? પરંતુ જેના હૃદયમાં આંતરિક શ્રદ્ધા અને સૂઝ છે એ લોકો સુધારવાની શરૂઆત પોતાનાથી કરશે તો ચોક્કસ તેનું ફળ મળશે. જ્યાં સુધી વૈચારિક બગાડ નહીં સુધરે ત્યાં સુધી બધું નકામું છે. ઘણી વખતે શું વાક્યો લખનાર પોતે અમલ કરતા નથી. ડાહી સાસરે ન જાય.. અને ગાંડીને સલાહ આપે.. આવી ઘટનાઓ સમાજમાં જીવંત જોવા મળે છે. ટીપે ટીપે સરોવર ભરાય આટલું નાનું વાક્ય છે.. પાણીના બચાવવા માટે કેટલો ઉત્તમ મેસેજ આપે છે. આપણે તો વોશબેસિનમાં નળ ચાલુ રાખી બ્રશ કરીએ. બિનજરૂરી ફુવારા ચાલુ રાખેને સ્નાન કરીએ. અંદરનો મેલ હૃદયની શીતળતા જે પાણીથી સાફ થવી જોઈએ તે તો થતી નથી પછી ગમે તેટલી ડોલથી સ્નાન કરીએ જેનો કોઈ અર્થ ખરો? આત્મશુદ્ધિકરણ અને રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ હોય તો દેશ માટે કંઈક કરવાની નૈતિકતા જન્મે. રેલવે ફાટક બંધ હોય ત્યારે કેટલાક મહા પુરુષો હોર્ન મારીને અવાજનું પોલ્યુશન કરતા લોકોને કઈ રીતે પ્રેરણા આપી શકાય? શિસ્ત, સંયમ અને નિયમ આ ત્રણ બાબતો જીવનમાં કેળવી જોઈએ.પ્રદૂષણના નિવારણ માટે કચરાપેટી ઉપર સ્પષ્ટ શબ્દોમાં બોર્ડ મારેલું હોય છે “કચરો મને આપો” કેમ છતાં આપણે જાહેર માર્ગ ઉપર ફેંકી દઈએ છીએ.. કચરાપેટી ઉપર લખેલું વાક્ય કચરો મને આપો. જો તમે એમાં નાખ્યું હોત તો કચરાના ઢગલા થયા હોત..? આવા નાના નાના પ્રસંગો મારા વાચક વર્ગ સમક્ષ મુકતા આનંદની લાગણી વ્યક્ત કરું છું. બોર્ડ પરીક્ષામાં સફળ થનાર તમામ બાળકોને શુભકામનાઓ પાઠવું છું.હજુ ઘણી બધી મંઝિલ પ્રાપ્ત કરવાની છે તે માટે આયોજનબદ્ધ પુરુષાર્થ કરતા રહો, ઈશ્વર આપને અતૂટ શક્તિ આપશે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨