ઉત્તર પ્રદેશના સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરમાં એક મોટો સીમાચિહ્નરૂપ ઉમેરો થવાનો છે. વિશ્વ વિખ્યાત અંગ્રેજી શસ્ત્ર ઉત્પાદક વેબલી અને સિયાલ હવે લખનૌ નોડમાં એક અત્યાધુનિક દારૂગોળો ઉત્પાદન એકમ સ્થાપિત કરશે. આ એકમ સેના, અર્ધલશ્કરી દળો અને અધિકૃત સુરક્ષા એજન્સીઓ માટે વિવિધ કેલિબરના કારતુસ અને દારૂગોળો બનાવશે.
વેબલી એન્ડ સિયાલ ગ્રુપના ચેરમેન જાન બ્રાઇડ અને ડિરેક્ટર મનિન્દર સિયાલના જણાવ્યા અનુસાર, ધ્યેય તેને દેશના સૌથી મોટા દારૂગોળા એકમોમાંનું એક બનાવવાનું છે. કંપની પ્રથમ તબક્કામાં આશરે ૧૦૦ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જે આગામી ત્રણ વર્ષમાં વધારીને ૩૦૦ કરોડ કરવામાં આવશે. આ પ્લાન્ટ ૨૦૨૭ સુધીમાં ૯એકસ૧૯ એમએમ, ૫.૫૬ટ૪૫ એમએમ, ૭.૬૨એકસ૩૯એમએમ, ૭.૬૨એકસ ૫૧એમએમ અને ૧૨.૭ એમએમ જેવા સંરક્ષણ-ગ્રેડ દારૂગોળાનું ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે.
આ એકમ માત્ર દારૂગોળો જ નહીં પરંતુ પ્રાઇમર્સ અને અન્ય આવશ્યક ઘટકોનું પણ ઉત્પાદન કરશે, જેનાથી કંપનીને એન્ડ-ટુ-એન્ડ ઉત્પાદન ક્ષમતા મળશે. આનાથી સંરક્ષણ સાધનોની આયાત પર દેશની નિર્ભરતા ઓછી થશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ મજબૂત થશે. કંપની પાસે પહેલાથી જ હરદોઈના સાંડીલામાં એક યુનિટ છે, જે પિસ્તોલ, રિવોલ્વર, રાઇફલ અને શોટગનનું ઉત્પાદન કરે છે. ત્યાં એક નવી એરગન ફેક્ટરી પણ સ્થપાઈ રહી છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળી એરગનનું ઉત્પાદન કરે છે.






































