‘‘માણસ કેવો છે?’’ તે આમ તો જાણવું અઘરું છે, છતાં જો તે માણસનો પશુ,પ્રકૃતિ અને માણસ સાથેનો વ્યવહાર જોઈને કહી શકાય કે બહાર દેખાતો માણસ અંદર કેવો છે.
માનવજીવનમાં સૌથી જટિલ અને રસપ્રદ વિષય હોય તો તે છે “માણસને ઓળખવો”. બહારથી દરેક વ્યક્તિ સરસ, સૌમ્ય અને સારા સ્વભાવનો દેખાઈ શકે છે, પરંતુ અંદરનો સ્વભાવ, સંસ્કાર અને વિચારધારા સમજવી સહેલી બાબત નથી. સાચી ઓળખ માટે સમય, નિરીક્ષણ અને સમજ જરૂરી છે. ઘણીવાર આપણે દેખાવ કે વાતોથી પ્રભાવિત થઈ જઈએ છીએ, પરંતુ જીવનમાં આપણને શીખવે છે કે “વ્યક્તિત્વ શબ્દોથી નહીં, પરંતુ વર્તનથી માપવું જોઈએ.”
૧. કથની અને કરણીની એકરૂપતા
કોઈ પણ વ્યક્તિને ઓળખવાનો પ્રથમ અને સૌથી મહત્વનો માપદંડ છે તેની કથની અને કરણી વચ્ચેનો સંબંધ. જે વ્યક્તિ બોલે જુદું અને કરે બીજું, તે વિશ્વાસ લાયક નથી. જ્યારે જે વ્યક્તિ પોતાના શબ્દોનું પાલન કરે છે, તે વિશ્વાસપાત્ર બને છે. ઉદાહરણ તરીકે, કોઈ મિત્ર મુશ્કેલીમાં મદદ કરવાનું વચન આપે અને વાસ્તવમાં મદદ કરે, તો તે સાચો મિત્ર કહેવાય.
૨. સંવેદના અને સહાનુભૂતિ
માનવતાનું સૌથી સુંદર લક્ષણ છે સંવેદના. જેને સજીવ માત્ર પ્રત્યે સંવેદના હોય,જે વ્યક્તિ બીજાના દુઃખને સમજે છે,સહાનુભૂતિ દર્શાવે છે અને મદદ કરવા આગળ આવે છે, તે હૃદયથી
સમૃદ્ધ હોય છે. ઘણીવાર કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદનેમદદ કરે છે કે કોઈ દર્દીની સેવા કરે છે, તે તેની અંદરની માનવતાને દર્શાવે છે.
૩. સંકટ સમયે વર્તન
સુખમાં સૌ સાથે હોય છે, પરંતુ દુઃખમાં કોણ સાથ આપે છે તે સાચી ઓળખ આપે છે. સંકટના સમયમાં વ્યક્તિની ધીરજ,સમજૂતી અને સહકાર તેની સાચી છબી રજૂ કરે છે. કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં શાંત રહીને યોગ્ય નિર્ણય લેતો માણસ સારો અને સાચો માણસ કહેવાય.
૪. અહંકાર અને વિનમ્રતા
જ્ઞાન, સંપત્તિ કે પદ મળવાથી ઘણા લોકોમાં અહંકાર આવી જાય છે. પરંતુ સાચો મહાન માણસ તે જ છે જે ઊંચા સ્થાને હોવા છતાં નમ્ર રહે છે. “ફળદાર વૃક્ષ હંમેશા ઝુકે છે” આ કહેવત વિનમ્રતાનું સુંદર ઉદાહરણ છે.
૫. સમય અને શિસ્ત પ્રત્યેનો અભિગમ
સમયનું મૂલ્ય સમજનાર વ્યક્તિ જીવનમાં સફળ બને છે. જે વ્યક્તિ સમયનું પાલન કરે છે, વચનનું માન રાખે છે અને
શિસ્તબદ્ધ જીવન જીવે છે, તે વિશ્વસનીય હોય છે.જેને કોઈ રોકનાર કે ટોકનાર ના હોય છતાં પણ સ્વયંભૂ શિસ્તનું
પાલન કરનાર, સમયસર કામ પૂરૂં કરનાર અને નિયમિતતા સારા માણસની શ્રેષ્ઠ નિશાની છે.
૬. સંબંધો નિભાવવાની રીત
વ્યક્તિ કેવી રીતે તેના સંબંધો નિભાવે છે તે તેની ઓળખનું મહત્વનું લક્ષણ છે. જે વ્યક્તિ સંબંધોમાં સચ્ચાઈ, વિશ્વાસ
અને પ્રેમ જાળવે છે, તે હંમેશા માન પામે છે. નાનાં-મોટાં બધાં સાથે સન્માનથી વર્તવું એ સારા માણસની ઓળખ છે. માત્ર ઔપચારિકતા નહીં પણ દિલથી સબંધ નિભાવનાર વ્યક્તિ સારા માણસની નિશાની છે.
૭. ગુસ્સો અને ધીરજ
ગુસ્સો દરેકને આવે છે, પરંતુ તેને કેવી રીતે સંભાળવો તે મહત્વનું છે. જે વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત રહે છે
અને ધીરજ રાખે છે, તે પરિપક્વ કહેવાય. ગુસ્સામાં લેવાયેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.
૮. સચ્ચાઈ અને ઈમાનદારી
સાચો માણસ હંમેશા સચ્ચાઈના માર્ગ પર ચાલે છે. ઈમાનદારીથી જીવવું મુશ્કેલ હોઈ શકે, પરંતુ તે વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે. ખોટુ બોલીને તાત્કાલિક ફાયદો મળી શકે, પરંતુ સચ્ચાઈ લાંબા ગાળે માન અપાવે છે.
૯. આભાર માનવાની ભાવના
જે વ્યક્તિ નાનામાં નાની મદદ માટે પણ આભાર વ્યક્ત કરે છે, તે સંસ્કારી હોય છે. આભાર માનવાથી સંબંધો મજબૂત બને છે અને મનમાં વિનમ્રતા રહે છે.
૧૦. સતત નિરીક્ષણ અને અનુભવ
કોઈને એક જ મુલાકાતમાં ઓળખી શકાય નહીં. સમય સાથે તેના વર્તન, નિર્ણયો અને પરિસ્થિતિઓમાં તેના પ્રતિસાદને જોવાથી સાચી ઓળખ મળે છે. અનુભવથી જ માણસની સાચી ઓળખ થાય છે પણ શરૂઆતથી જ માણસને ઓળખવો હોય તો ઉપરના લક્ષણોથી સારા માણસનો અંદાજ લગાવી શકાય છે.
નિષ્કર્ષઃ-
માનસને ઓળખવો એ એક કલા છે, જે સમય અને સમજ સાથે વિકસે છે. બહારના દેખાવ કે મીઠી વાતોથી નહીં, પરંતુ તેની અંદરના મૂલ્યો, સંસ્કાર અને વર્તન પરથી ઓળખ કરવી જોઈએ. સાથે સાથે આપણે પોતે પણ એવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ કે લોકો આપણને આપણા સારા ગુણોથી ઓળખે.
ટૂંકમાં જોઈએ તો જે કદી કોઈને ડરાવતો ન હોય,તેમજ જે કોઈથી ડરતો ન હોય , મૂંઝાયેલો માણસ તેની પાસે જઈને હળવો થઈ જતો હોય, તેની પાસે બેસીને માણસને શુકુન મળતું હોય,અજાણ્યો માણસ જેના પર ભરોસો કરી શકતો હોય અને પોતાની અંગત વાતો કહીને હળવો થઈ શકતો હોય, જે દુઃખીને જોઈને દુઃખી બનતો હોય અને સુખીને જોઈને ખુશ થતો હોય,જેને વૃદધો અને સ્ત્રી પ્રત્યે આદર અને પવિત્ર ઊર્મીઓ હોય, જેના દિલમાં અપાર દયા અને કરુણા હોય,જે માણસ બીજાના દુઃખને કે પ્રેમને જોઈને ભાવવિભોર બની જતો હોય અને પોતાના અહંમ કે સન્માન માટે નિષ્પ્રુહી હોય,જે હંમેશા માણસની મોટાઈ કરતા માણસાઈને વધારે મહત્વની ગણતો હોય,આવા માણસો વિશાળ હૃદયના, શુદ્ધ ચારિત્રના અને નેક ઇરાદવાળા હોઈ શકે તેમ સમજવું. આવા લક્ષણો મહાપુરુષોના લક્ષણો છે. તેમાંના થોડા ઘણા લક્ષણો પણ જે માણસમાં જોવા મળે તો તેને માણસની દુનિયામાં સારો માણસ ગણવો.“ચહેરા તો હજારો મળે રસ્તામાં,
પણ ચહેરા પાછળનું મન ઓળખવું કળા છે;
શબ્દોથી નહીં, વર્તનથી ઓળખાય માણસ,
એજ જીવનનું સાચુ ભણતર છે.”