લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્ય જનક તળાવીયાની સક્રિય રજૂઆતોને પગલે લાઠી તાલુકાના વિકાસમાં વધુ એક મહત્વનું સોપાન ઉમેરાયું છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા વિરપુર અને કરકોલીયા ગામને જોડતા મુખ્ય માર્ગના રીસર્ફેસિંગ કામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧.૫૦ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ અગત્યનો માર્ગ આસપાસના અનેક ગામોના પરિવહન માટે કરોડરજ્જુ સમાન હોવા છતાં, તેની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ગ્રામજનોની આ પીડાને સમજી ધારાસભ્ય જનક તળાવીયાએ માર્ગ અને મકાન વિભાગમાં વ્યક્તિગત રસ લઈ આ મામલે સઘન રજૂઆત કરી હતી. આ સફળ રજૂઆતના ફળસ્વરૂપે મળેલી ગ્રાન્ટ દ્વારા હવે રસ્તાનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવશે, જે વાહન વ્યવહારને સુગમ બનાવવાની સાથે લોકોના સમય અને ઈંધણની પણ બચત કરશે. ધારાસભ્યએ આ લોકઉપયોગી નિર્ણય બદલ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સમાચાર મળતા જ સમગ્ર પંથકમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે અને સ્થાનિકોએ ધારાસભ્યની કાર્યનિષ્ઠાને બિરદાવી આભાર માન્યો છે.