ધારી પડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ગામમાં જવાની ના પાડવા જેવી સામાન્ય વાતમાં એક મહિલાએ અન્ય મહિલાને ગાળો આપી, માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મીનાબેન રમેશભાઇ મકવાણા (ઉ.વ.૪૦)એ કોમલબેન દીપકભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જ્યારે પોતાના ઘરની બહાર ઉભા હતા, ત્યારે તેમના પડોશમાં રહેતા જેઠાણીના ઘરે આરોપી મહિલા આવ્યા હતા. આરોપી મહિલાએ તેમને તેમના જેઠાણી સાથે ગામમાં ક્યાંય પણ ન જવા માટે તાકીદ કરી હતી. જેથી તેમણે જણાવ્યું કે, અમે પડોશી છીએ એટલે સાથે જતા હોઈએ છીએ, આ સાંભળીને આરોપી મહિલા ઉશ્કેરાઈ ગયા હતા. તેમને આ વાત પસંદ ન આવતા ફરિયાદી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આરોપી મહિલાએ તેમને જાહેરમાં અપશબ્દો બોલી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, ગાલ પર બે ઝાપટો મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી અને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.જે.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.







































