કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે હવે સૌ કોઈની નજર આકાશ તરફ મંડાયેલી છે કે મેઘરાજા ક્યારે પધારશે ? વર્ષ ૨૦૨૬ ના ચોમાસાને લઈને બે મોટા અંદાજા સામે આવ્યા છે. એક તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સારા ચોમાસાની આશા જગાવી છે, તો બીજી તરફ હવામાન વિભાગે ‘એલ નીનો’ ની અસરને પગલે સાવચેત રહેવા સંકેત આપ્યા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા છે, જેમાં ૮ થી ૧૫ જૂન વચ્ચે ચોમાસાનું વિધિવત આગમન થઈ શકે છે. જૂન અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં શ્રેષ્ઠ વરસાદ રહેવાની આશા છે, પરંતુ મે મહિનો પડકારજનક સાબિત થઈ શકે છે કારણ કે મે મહિનાના મધ્યમાં કાળી આંધી અને વાવાઝોડાની શક્યતા છે. વધુમાં, ૧૫ મે બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને ૨૩ મેની આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે.
હવામાન વિભાગના મતે આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં ‘એલ નીનો’ મજબૂત થવાને કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું થોડું નબળું પડી શકે છે. જોકે, મે મહિનાના અંત સુધીમાં પ્રી-મોન્સૂન એક્ટીવિટી સંપૂર્ણ સક્રિય થશે અને હીટ ડોમ વેધર પેટર્નને કારણે ગરમી વધશે, પરંતુ વચ્ચે-વચ્ચે વરસાદી ઝાપટાં ગરમીથી રાહત આપશે. ચોમાસાના રૂટની વાત કરીએ તો અંદાજે ૧૮-૨૦ મે ના રોજ અંદામાનમાં અને ૧ જૂન સુધીમાં કેરળમાં ચોમાસું બેસી જશે, જે ત્યારબાદ ૧૫ થી ૨૦ જૂન વચ્ચે મધ્ય ભારતમાં પહોંચશે.
જાકે આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન માસમાં સમયસર વરસાદ થવાથી વાવણીની પ્રક્રિયામાં વેગ આવી શકે છે. મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની પણ શક્યતા છે, જેનાથી ખેતીના પાકને સાચવવાની સલાહ અપાઈ છે.
દરમિયાન ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમી હજુ પણ કાયમ છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાને ૪૦ ડિગ્રી સેલ્સિયસનો પાર કરી લીધો છે. જેના કારણે હિટવેવ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજકોટ ફરી એક વખત રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે.
રાજ્યના વિવિધ શહેરોમાં આજે ગરમીનો કહેર જાવા મળ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ ૪૨.૪ સે તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૨.૦ સે તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને અમરેલીમાં ૪૧.૭૦ સે સુધી પારો પહોંચ્યો હતો, જેનાથી લોકો ગરમીથી પરેશાન બન્યા હતા.ગાંધીનગર અને કંડલામાં ૪૧.૦૦ સે તાપમાન નોંધાયું હતું, જ્યારે ભાવનગરમાં ૪૦.૪ સે અને ડીસા તેમજ ભુજમાં ૪૦.૦ સે તાપમાન નોંધાયું હતું.
કુલ મળીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો અને લોકોને તાપથી રાહત મળતી દેખાઈ નહોતી.રાજ્યના અનેક વિસ્તારોમાં લૂ જેવી સ્થિતિ જાવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ અત્યંત તીવ્ર છે.