અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પ્રાકૃતિક કૃષિ પ્રત્યે ખેડૂતોનો અભિગમ ખૂબ જ હકારાત્મક રીતે બદલાયો છે જેના પરિણામે સમગ્ર જિલ્લામાં ખેતીના ક્ષેત્રે એક નવો આયામ પ્રસ્થાપિત થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સીધા માર્ગદર્શન હેઠળ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ઝેરમુક્ત અને આરોગ્યપ્રદ ખેતી તરફ વળ્યા છે જેને પગલે બજારમાં પણ આ ખેત પેદાશોની ભારે માંગ જોવા મળી રહી છે. લોકોની બદલાતી જીવનશૈલી અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિને કારણે પ્રાકૃતિક પધ્ધતિથી પકવવામાં આવેલા અનાજ, શાકભાજી અને ફળોના વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે.પ્રાકૃતિક કૃષિના વ્યાપક પ્રચાર અને ખેડૂતોને યોગ્ય તાલીમ આપવા માટે ‘આત્મા’ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જિલ્લાના ખેડૂતોને જીવામૃત, ઘનજીવામૃત અને બીજ સંસ્કાર જેવી પાયાની તાલીમ મોડેલ ફાર્મ પર આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત કચેરીઓ ખાતે ‘અમૃત બજાર’નું આયોજન કરવામાં આવે છે જ્યાં ખેડૂતોને તેમના ઉત્પાદનોનું સીધું વેચાણ કરવાનું પ્લેટફોર્મ મળે છે. છેલ્લા એક વર્ષના આંકડા મુજબ જિલ્લાના ખેડૂતોએ અમૃત બજાર અને પોતાના ઘરેથી અંદાજે ૧,૧૪,૩૬૭ કિલોગ્રામથી વધુ જથ્થાનું વેચાણ કરીને કુલ ૬૭,૦૧,૧૭૬ રૂપિયાની માતબર કમાણી કરી છે. જેમાં મુખ્યત્વે ૫૬,૭૨૯ કિલોગ્રામ અનાજ અને બાકીના ભાગમાં શાકભાજી તથા ફળ-ફળાદીનો સમાવેશ થાય છે.હાલમાં અમરેલી જિલ્લામાં અંદાજે ૧૮,૯૭૮ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે અને આ વિસ્તાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રાજ્ય સરકારના આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક કૃષિના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે અમરેલી જિલ્લો મિશન મોડમાં કામ કરીને અગ્રીમ હરોળમાં સ્થાન મેળવી રહ્યો છે. આ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોનો ખેતી પાછળનો ખર્ચ ઘટ્યો છે અને તેમની જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહી છે. જ્યારે બીજી તરફ ગ્રાહકોને શુધ્ધ અને પૌષ્ટિક આહાર મળી રહ્યો છે જે માનવ સમુદાયના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. આમ, અમરેલી જિલ્લો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક અને સામાજિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે.







































