અમરેલી પંથકમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. નાના રાજકોટથી રામપર જવાના માર્ગ પર એક અજાણી કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.વિપુલભાઇ મનુભાઇ દેથળીયા (ઉ.વ. ૩૦) એ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના નાનાભાઈ વિજયભાઈ મનુભાઈ દેથળીયા પોતાનું સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નાના રાજકોટથી ભમરીયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નાના રાજકોટ અને રામપર ગામ વચ્ચે સામેથી આવતી એક અજાણી કારના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિજયભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હેમરેજ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત, ડાબી આંખ પાસે પણ ઊંડા ઘા પડતા ટાંકા લેવા પડ્‌યા હતા. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવાને બદલે અજાણ્યો કાર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
હાલ લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગેરૈયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.