સાવરકુંડલાના આંબરડી ગામે આજે વહેલી સવારે એક આકસ્મિક આગની ઘટના બની હતી. ગામના રહેવાસી બિપિનભાઈ નસીતના પશુઓના નીરણ માટે બનાવેલા શેડમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ ભીષણ આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. આગના ધુમાડાના ગોટેગોટા દેખાતા જ સાવરકુંડલા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પશુ કે માનવીને જાનહાનિ થઈ નથી, પરંતુ ઘાસચારો અને શેડ બળીને ખાખ થઈ જવાથી મોટું આર્થિક નુકસાન થયું છે.








































