બકો અને બેરાલાલ આવાં કાળાં તડકામાં શેરીયુમાં આંટાફેરા મારી રહ્યાં હતાં. બપોર વચાળે
ચકલું’ય નો ફરકે. ખેડૂતો ટાઢા પનિયા કરીને લીમડાનાં છાંયે લંબાવે. આવાં સમયે આ બે કાળાં માથાંના માનવી હું કરી રહ્યા હશે?
બનેવીલાલે આ બન્નેને જોયાં. અને વિચાર આવ્યો.
“એલાં, માણસ છો કે ઉમેદવાર? આવાં તડકામાં તમારે તો કાંઈ કામધંધો નથી. પણ, બીજાંને તો હખ લેવાં દો. ચૂંટણીનું ભૂત હજી ઉતર્યું નથી? ”
“ઉમેદવાર તો અમે હતાં. એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. હવે તો અમને માણસમાં રે ‘વા દો. તમે મત તો નો આપ્યાં. પણ, થોડો ‘ક સમય આપીને અમને હાંભળો તો ખરાં.”
બનેવીલાલને પરાણે હાંભળવુ પડ્યું.
“બોલો, હવે તમારે હું કે ‘વુ છે? કેવાનું હંધૂય ચૂંટણીમાં નો કહી દીધું? ”
“હજી અમારે કાંઈક કેવું છે. ”
“ઝટ બોલો. અમારે ‘ય હવે શપથગ્રહણ સમારંભમાં જાવું છે.”
“તો..ઓ.. હાંભળો.. વિદેશ જાવું હોય તો હું કરવું પડે?”
“ન્યા ચૂંટણી લડવા જાવું છે?”
“એલાં.. ચૂંટણીનું હવે નામ નો લ્યો. બીજાં કામથી જાવું છે.”
“પણ, તમે તો પરણેલાં છો. આજકાલ હંધાય કુંવારાઓ જ જાય છે. લગન જલ્દી થઈ જાય છે. ક્યાં કેનેડા જાવું છે?”
“ના..ના..આ..! ચીન જાવું છે.”
“ચીન? ન્યા કેમ? ન્યા તો હંધૂય તકલાદી મળે છે.”
“તમારી વાત કદાચ! હાસી હશે. પણ, અમારે ન્યા કન્યા લેવાં નથી જાવું. મરઘાં -મરઘી લેવાં જાવું છે.”
“બેરાલાલ..! તમારો ‘દિ ફર્યો છે? મરઘાં લેવાં કોઈ ચીન જાય? આપણે ત્યાં હમણાં જ એકાદ-બે લાખ મરઘાંઓને ધણી હતાં તોય મારી નાંખ્યાં. અને તમારે ઠે..ઠ.. એ મરઘાં તો તમને સોનાનાં પડશે. ખરસ ગણ્યો છે તમે??”
“તેં.. તેં..એ..! મરઘી ‘ય સોનું જ આપે છે.”
“ચૂંટણી માંહ્યલા વાયદાવાળી વાતું હવે બંધ કરો. ભાષણ યુગમાંથી બહાર આવી ,હકીકત વાળી વાતું કરો.”
“તમે નહીં માનો. મારે પાકું સરનામું આપવું પડશે. ચીનમાં હુનાન પ્રાંતમાં લિયુ નામનાં એક ખેડૂતે રસોઈ ટાઈમે એક મરઘી કાપી. તો એમને કાંઇક ચળકતું દેખાયું. એમણે મુરઘીને પુરેપુરી કાપી તો દસ ગ્રામ જેટલું સોનું મળ્યું. તો આપણે આવી મરઘીની આયાત કરીએ તો!??”
“ચીનાઓને ખબર નો પડી. આવી મરઘીને કાપી નો નંખાય. એ રોજ સોનાનું ઈંડુ આપત.
“પણ, એક કામ કરો. તમારે વિદેશમાં જ જાવું છે ને!?? તો ન્યૂઝીલેન્ડ જાવ. ચીનનો ભરોસો કરવાં જેવું નથી. કદાચ! સોનું ‘ય નકલી હોય !!”
“ન્યૂઝીલેન્ડ? ન્યા કેમ? ન્યાય મરઘી સોનાનાં ઈંડા આપે છે?”
“ન્યા સાઉથ આઈલેન્ડની કલુથા નદી છે. આ નદીમાં આજકાલ સોનું નીકળે છે. લોકો પાવડા અને તગારાં લઈને સોનું કાઢે છે. તમારે મુરઘી કાપીને પાપના ભાગીદાર નો થાવું. ”
“તો..ઓ..આપણે ગુજરાતીઓ જે સી બી લઈને પહોંચી જઈએ તો? આપણાં હાથમાં વધારે સોનું આવે ને!!”
“દાદાનું બુલડોઝર ગુજરાતમાં હાલે. અને યોગીજીનું બુલડોઝર યુ પી મા હાલે. ન્યા માત્ર તગારાં અને પાવડો જ હાલે છે.”
“તો..તો..ઓ.! ઈ કે ‘દિ ભેગું થાય!?? આયાં તો હવે કાપો જ વાળવો છે. નો કરવાનો ખરસો કરી નાંખ્યો છે. હવે વટક તો વાળવું જ પડશે ને!!”
“એટલે ચૂંટણીમાં તમે વટક વાળવા ઊભાં રહ્યાં હતાં?
મને એમ કે, તમને સેવા કરવાનાં અભરખાં જાગ્યાં છે.”
“ભાઈ..! સેવા બેવા તો ઠીક છે. હંધાયને મેવા દેખાય છે.,મેવા. આ તો સેવાની ચાદર ઓઢીને બેઠાં બેઠાં મેવા જ ઝાપટવાના હોય છે. આજકાલ હંધાય ધંધા ઠપ્પ થઈ ગયાં છે. આ એક જ ધંધો એવો છે. કે ધર્મ ધોકાર હાલે છે.”
“હા, પણ મારું કે ‘વાનું એમ જ છે, કે તમારે પાપના ધંધામાં પડવું નહીં. અને રેઢું પડ ઝડી જાય તો !?”
“તો તો તમારાં મોઢામાં ગોળના ગાંગડા.
ઝટ બોલો! હવે રે ‘વાતું નથી. અમારે કરવાનું હું? અને જાવાનું ક્યાં?”
“નમોસ્કાર બાબુ મોશાય ! ,આમાર સોનાર બોંગ્લા.”
“એટલે.. બાંગ્લાદેશમાં જાવાનું છે? મોદી સરકારે એ ઘુસપેઠીયાને માંડ માંડ કાઢ્યાં છે. અને તમે અમને બાંગ્લાદેશ મોકલવા માંગો છો? ”
“તમારે બાંગ્લાદેશ નથી જાવાનું. પણ, હજી એ લોકો હંતાયને બેઠાં છે. એમને હવે કાઢવાં તો પડશે ને!! એટલે તમારે બંગાળ જાવાનું છે.”
“અમારે એમને કાઢવાનાં છે? ”
“ના..આ..! તમારે માત્ર ટેકો કરવાનો છે. આ કામ તો નવી સરકાર કરશે ને !!”
“હા પણ , જૂની સરકાર મતલબ! મમત વાળી મમતા સરકાર રાજીનામું આપશે તો નવી સરકાર બનશે ને!!? ઈ બાઈ તો સ્ત્રી હઠ લઈને બેઠી છે. ગમે તેમ કરો હું ખુરશી ખાલી કરવાની નથી. ગમે તેમ કરીને મેં પંદર પંદર વરહથી ખુરશીને પકડી રાખી છે. અને એમ જ હું ખુરશી ખાલી કરું!??”
“એટલે તો હવે તમારે જાવાનું છે. આખાં ગુજરાતે અત્યાર સુધી મહેનત કરી લીધી. હવે તમારો વારો છે.”
“ઓ.. હોં.. હોં..! મને એમ કે..માત્ર જેઠાલાલની નજર જ બંગાળી ઉપર છે. પણ અહીં તો આખાં ગુજરાતની નજર બંગાળ ઉપર છે!??”
kalubhaibhad123@gmail.com









































