લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે તળાવના રિસ્ટોરેશન (પુનઃજીર્ણોધ્ધાર) કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજે રૂ. ૩૧.૨૮ લાખના ખર્ચે સાકાર થનારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી ગામની જળ સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેનો સીધો લાભ સ્થાનિક પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રને લાંબાગાળે મળતો થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વર્તમાન અને પૂર્વ સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન જનક તળાવીયાએ ગ્રામીણ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર છેવાડાના ગામો સુધી જળ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના જતન માટે અત્યંત ગંભીર અને પ્રયત્નશીલ છે. આ તળાવના ઊંડા ઉતરવાથી અને મજબૂતીકરણથી વરસાદી પાણીના સંગ્રહની સાથે ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે, જે ખેડૂતો માટે સિંચાઈના આશીર્વાદ સમાન સાબિત થશે. સરકારની પ્રાથમિકતા હંમેશા ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રસ્તા, સ્વચ્છતા અને પર્યાવરણલક્ષી સુવિધાઓ પૂરી પાડવાની રહી છે. આ પુનઃજીર્ણોધ્ધાર માત્ર ભૌતિક વિકાસ નથી પરંતુ આગામી પેઢીને જળ સુરક્ષા આપવાનું એક ઉમદા કાર્ય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ગામના પ્રાકૃતિક સૌંદર્યમાં પણ વધારો થશે.








































