અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના સનાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત વિશેષ ગ્રામસભામાં જળસંચયના માધ્યમથી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વેગ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે ખેતીનો સાચો આધાર જળ છે અને જો ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’ રોકવામાં આવે તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવી શકાય છે. તેમણે મટુકી અને રીયલ સરોવર જેવા જળ પ્રકલ્પો દ્વારા ગામને જળ-આત્મનિર્ભર બનાવવાની હાકલ કરી હતી. આ સભામાં ચેકડેમ ઊંડા કરવા અને બોર રિચાર્જ જેવી પધ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં અનેક સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.









































