ધારી કોર્ટ સંકુલમાં આવેલા મીડીયેશન સેન્ટરમાં સમાધાનની પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની છે. ઇંગોરાળા (ભાડ) ગામની ૨૮ વર્ષીય પરિણીતા રિંકલબેન સુમીતભાઇ ગોહીલ પર તેમના સાસરીયા પક્ષ દ્વારા હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે.
ફરિયાદી રિંકલબેન તેમના ડોમેસ્ટિક વાયોલન્સના કેસ અંતર્ગત મીડીયેશન (સમાધાન) માટે ધારી કોર્ટ ખાતે આવ્યા હતા. આ દરમિયાન રિંકલબેને તેમના પતિ સાથે એકાંતમાં વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરતા, અન્ય સાસરીયાઓને બહાર જવા કહ્યું હતું. આ વાતથી ઉશ્કેરાઈને સાસુ હર્ષાબેન અને દિયર ધવલભાઇએ રિંકલબેનને ગાળો આપી, ગાલ પર ઝાપટો મારી મુંઢ માર માર્યો હતો.આ ઝઘડામાં પતિ સુમીતભાઇ અને સસરા હરેશભાઇએ પણ જોડાઈને રિંકલબેન અને તેમના પિતા વિનુભાઇને બેફામ ગાળો આપી હતી. આરોપીઓએ રિંકલબેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ આ મામલે રિંકલબેને સાવરકુંડલાના રહેવાસી એવા પતિ, દિયર, સાસુ અને સસરા વિરુધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.










































