લાઠી તાલુકાના વીરપુર ગામે મૈત્રી કરાર બાદ સાથે રહેતી યુવતી અને તેની દીકરીને પરાણે લઈ જવાના મામલે સશસ્ત્ર હુમલો અને અપહરણની ઘટના સામે આવી છે.ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં રમેશભાઈ વાળાના રહેણાંક મકાને ભાવનગરના રંઘોળા ગામના મયાભાઈ ખમળ અને અરજણભાઈ ખમળ સહિત ૧૦ શખ્સોએ હુમલો કર્યો હતો. ફરિયાદી રમેશભાઈએ રંઘોળાની વર્ષાબેન સાથે મૈત્રી કરાર કર્યા હતા, જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ દીવાલ ટપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના ધોકા વડે આડેધડ માર મારતા રમેશભાઈને પગમાં અને તેમના માતા ભાવનાબેનને હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ મુંઢ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ વર્ષાબેન અને તેમની પુત્રી જેનાલીને બળજબરીપૂર્વક ફોરવ્હીલમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. લાઠી પોલીસે મયાભાઈ ખમળ, અરજણભાઈ ખમળ અને અન્ય ૮ અજાણ્યા શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































