ચલાલામાં ગત સાંજે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. શેરીમાં દારૂ પીને બબડાટ કરતા શખ્સને સમજાવવા ગયેલા યુવક પર છ શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે.ચલાલાની દાનેવ સોસાયટીમાં રહેતા પ્રદિપભાઇ મનસુખભાઇ રાઠોડના ભાભી અને બહેન ઘર પાસે ભરતકામ કરી રહ્યા હતા. તે સમયે પડોશમાં રહેતો વિપુલ ઉર્ફે દાઉદ સવજીભાઇ દાફડા દારૂ પીને ગાળાગાળી કરતો હોવાથી મહિલાઓએ તેને આગળ જવા કહ્યું હતું. આ બાબતે ઉશ્કેરાયેલા વિપુલે ઝઘડો શરૂ કર્યો હતો.ઝઘડાની જાણ થતા પ્રદિપભાઇ ઘરે આવી વિપુલને સમજાવવા જતાં, વિપુલે તેના પરિવારના સભ્યો અને મિત્રો સાગર, સવિતાબેન, રાહુલ, લખમણભાઇ અને દિવીબેન સાથે મળીને પ્રદિપભાઇ પર હુમલો કર્યો હતો. વિપુલે લોખંડના પાઇપ વડે પ્રદિપભાઇના માથા અને હાથે આડેધડ ઘા ઝીંક્યા હતા.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રદિપભાઇને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમના માથામાં કુલ ૧૬ ટાંકા આવ્યા છે અને હાથે ફેક્ચર થયું છે. આરોપીઓએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.









































