વાઘોડિયાના કાગડીપુરામાં દેવ નદી કિનારે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ખેતમજૂરી કરી પરિવારને મદદરૂપ થતો ૨૨ વર્ષીય મિથુન વસાવા નામનો યુવાન નદીએ પાણી પીવા ગયો હતો તે દરમિયાન કાળ બનીને મગર તરાપ મારીને યુવકને પાણીમાં ખેંચી ગયો હતો.
ઘટનાની વિગત એવી છે કે, મિથુન મહેશભાઈ વસાવા જ્યારે દેવ નદીમાં ઉતર્યો, ત્યારે અચાનક એક મહાકાય મગરે તેના પર હુમલો કર્યો હતો. જાતજાતામાં મગર યુવાનને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ ભયાનક દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં પણ કેદ થયા હતા, જેમાં મગર યુવાન પર હુમલો કરી પાણીમાં આંટાફેરા કરતો જોઈ શકાતો હતો. આ દ્રશ્યો જોઈને ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગ તેમજ વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ગઈકાલે બપોરથી ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજ સુધી કોઈ પત્તો ન લાગ્યા બાદ, આજે વહેલી સવારે ફાયર વિભાગની બોટ પાસે પાણીમાં યુવકનું માથું દેખાતા જવાનો સાવચેત બન્યા હતા. મગરોના વસવાટ વચ્ચે ખૂબ જ સાવધાનીપૂર્વક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક મિથુન તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને અપરિણીત હતો. ખેતમજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા આ આશાસ્પદ યુવકના અકાળે મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે. દેવ નદીમાં મગરોની મોટી સંખ્યા હોવાથી અવારનવાર જોખમ સર્જાય છે, ત્યારે વન વિભાગે હવે આ નરભક્ષી મગરને પકડવા માટે નદી કિનારે પાંજરા ગોઠવ્યા છે જેથી અન્ય કોઈ નિર્દોષ આ રીતે શિકાર ન બને.









































