છાપામાં ચમકવા માટેની અનિવાર્ય લાયકાત!
​​​​બોર્ડનું પરિણામ આવ્યું અને આખા શહેરમાં ફટાકડા ફૂટ્યા, પણ મારા ઘરમાં જાણે ‘સાઈલન્ટ મોડ’ મુકાઈ ગયો હોય એવું વાતાવરણ સર્જાયું. વાત એમ હતી કે મને એસ.એસ.સી.માં ૯૬% આવ્યા હતા. તમે કહેશો કે આ તો પેંડા વહેંચવાના દિવસો કહેવાય, પણ મને પહેલીવાર જિંદગીમાં ખબર પડી કે ગણિતના દાખલા ગણવા સહેલા છે પણ પત્રકારોના કેમેરા સામે ગોઠવાવું અઘરું છે.
​પરિણામના બીજા દિવસે હું સવારના પહોરમાં સફેદ કુર્તો પહેરી, વાળમાં જેલ લગાવીને તૈયાર થઈને બેઠો હતો. મને એમ કે હમણાં પત્રકારોના ધાડેધાડા આવશે, કેમેરાની ફ્‌લેશ લાઈટો મારા ચહેરા પર પડશે અને પત્રકાર પૂછશે, “તમારી આ ભવ્ય સફળતાનું રહસ્ય શું છે? તમે સવારના ચાર વાગ્યે ઉઠતા કે રાત્રે જાગતા?” પણ સાલી આશા તો ઠગારી નીવડી! આખું બપોર નીકળી ગયું, પણ મારા બંગલાના ગેટ પર કોઈ ન આવ્યું. છેવટે ન્યૂઝપેપર ખોલ્યું તો ખબર પડી કે ગણિત સાવ જુદું જ હતું.
​છાપાના પહેલા પાના પર મોટા હેડિંગ હતાઃ “રીક્ષાચાલક રમેશભાઈનો પુત્ર ઝળક્યો”, “દાડી-મજૂરી કરતા શાંતાબેનના દીકરાએ કરી કમાલ”, “ભંગાર વેચતા ભીખાભાઈના લાલનો દબદબો!”
​મેં જોયું તો પેલા રમેશભાઈના પુત્રને ૮૦ ટકા જ હતા. મારા કરતા ૧૬ ટકા ઓછા! છતાં પત્રકારો તેના ઘરે જઈને પૂછતા હતા, “તમે ફાનસના અજવાળે વાંચતા હતા?” પેલો છોકરો બિચારો ફાનસ જોયું પણ ન હોય તોય પત્રકારના આગ્રહથી ફાનસ પકડીને ફોટો પડાવતો હતો. મને ત્યારે સમજાયું કે આ દુનિયામાં ટકાવારીની વેલ્યુ નથી, ટકાવારીની પાછળ રહેલી ‘ગરીબી’ની વેલ્યુ છે.
​પહેલીવાર મને મારા પિતાની અમીરી ઉપર અફસોસ થયો. મારા પિતા શહેરના નામાંકિત બિલ્ડર અને ધનાઢ્ય વ્યક્તિ છે. હવે પત્રકાર મારા ઘરે આવે તો સ્ટોરી શું બને? “બંગલામાં રહેતા અને એસીમાં ભણતા કરોડપતિના પુત્રને ૯૬ ટકા આવ્યા?” આમાં કોઈ મસાલો નથી! પત્રકારને જોઈએ છે સંઘર્ષ. એમને જોઈએ છે આંસુ. એમને જોઈએ છે એવો વિદ્યાર્થી જેણે સ્ટ્રીટ લાઈટ નીચે બેસીને લઘુતમ સામાન્ય અવયવ શોધ્યા હોય.
​મારે પત્રકારોને કહેવું હતું કે, “ભાઈ, એસીમાં ભણતા હોય એને પણ ઊંઘ તો આવે જ ને? અમારે પણ મહેનત તો કરવી જ પડે ને?” પણ ના, છાપાવાળાઓને તો છાણા વીણતી છનુંબેનનો પુત્ર જ હિરો દેખાય. જો તમારી પાસે ગરીબ બાપ નથી, તો તમારી માર્કશીટ ભલે ગમે તેટલી સોનેરી હોય, પણ છાપામાં તો તમારું નામ ‘પરિણામની યાદી’માં જ સમાઈ જશે, ‘સ્ટોરી’માં નહીં.
​મેં મારા પિતાને કહ્યું, “પપ્પા, તમે કેમ રીક્ષા નથી ચલાવતા? જો તમે આજે રીક્ષા ચલાવતા હોત અને મમ્મી કોઈના ઘરે વાસણ માંજવા જતી હોત, તો આજે હું આખા રાજ્યમાં ફેમસ હોત! પત્રકારો પૂછત કે આટલી ગરીબીમાં પણ તમે ૯૬ ટકા કેવી રીતે લાવ્યા? ત્યારે હું કહેત કે હું આખો દિવસ પપ્પાની રીક્ષા પાછળ બેસીને પુસ્તકો વાંચતો હતો. કેવી જોરદાર સ્ટોરી બનત!” પપ્પાએ મને એક જોરદાર લાફો મારતા મારતા બચ્યો અને બોલ્યા, “મૂવા, તને ભણાવવા માટે આટલી મિલકત ઊભી કરી અને તારે હવે ફૂટપાથ પર જવું છે?”
​મને સમજાયું કે ભારતમાં ‘ગરીબી’ પણ એક ક્વોલિફિકેશન છે. પેલા ૭૦ ટકા લાવનારા પ્લમ્બરના દીકરાને પત્રકાર પૂછતો હતો, “તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો?” પેલાએ કીધું “એન્જિનિયર”. પત્રકારે તરત જ લાઈવ રિર્પોટિંગ ચાલુ કર્યું, “જુઓ દર્શકો, પ્લમ્બરનો પુત્ર પાઈપ લાઈન સુધારતા સુધારતા હવે દેશનું ભવિષ્ય સુધારશે!” અને હું અહીં ૯૬ ટકા લાવીને બેઠો હતો પણ મારો ભાવ પૂછવા કોઈ કૂતરોય નહોતું આવતું.
​મને તો હવે એવો વિચાર આવે છે કે આવતા વર્ષે જો કોઈને ટોપ કરવું હોય, તો ભણવા કરતા પહેલા એક ‘ગરીબ બાપ’ ભાડે કરી લેવો જોઈએ. રિઝલ્ટ આવે એટલે પિતાને ફાટેલા કપડાં પહેરાવી, હાથમાં પાવડો કે કડીયા કામનું તગારું પકડાવીને મીડિયા સામે ઊભા કરી દેવાના. પછી જુઓ, તમારી ટકાવારી ભલે ૬૦ હોય, પણ ન્યૂઝમાં તો તમે જ છવાઈ જશો!
​ખરેખર, જમાનો બદલાઈ ગયો છે. પહેલા લોકો ટકાવારી જોઈને મોંમાં આંગળા નાખી જતા, હવે લોકો પિતાનો વ્યવસાય જોઈને અહેસાસ જગાડે છે. માર્કશીટમાં માર્કસ હોવા એ બહુ સામાન્ય વાત છે, પણ જો તમારા નસીબમાં થોડીક ગરીબી અને થોડોક સંઘર્ષ હોય, તો જ તમે છાપાના પાને ‘ચમકી’ શકો. બાકી મારા જેવા ‘અમિર બાપના બેટા’ તો ભલે ને ૧૦૦ માંથી ૧૦૦ લાવે, દુનિયા તો એમ જ કહેશે, “એમાં શું? એની પાસે તો બધી સગવડ હતી!”
​સાલી ગરીબી પણ શું ચીજ છે! જેની પાસે છે એને અકળાવે છે, અને જેની પાસે નથી એને છાપામાં ચમકવા માટે તડપાવે છે!
naranbaraiya277@gmail.com