ખાંભા ખાતે ગૌરક્ષા અને ગૌ સેવાના ઉમદા હેતુ સાથે ‘ગો સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત એક વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. ગુરૂવારે ખાંભા તાલુકાના વિવિધ સંતો-મહંતો અને ૨૦૦થી વધુ સમર્પિત ગૌભક્તોએ એકઠા થઈને મામલતદાર કચેરી ખાતે પોતાની માગણીઓ બુલંદ કરી હતી. મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર મામલતદારને સોંપવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે ગૌવંશને ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૪૮ મુજબ રાષ્ટ્રમાતાનો સંવૈધાનિક દરજ્જો આપવાની પૂરજોર માગ કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારમાં અલગ ગૌસેવા મંત્રાલયની સ્થાપના થાય અને ગૌ હત્યા જેવા જઘન્ય અપરાધ સામે કડક કાયદો લાવી તેને આજીવન કેદની સજા સાથેનો ગૈર-જમાનતી ગુનો ગણવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ૨૬૮ નાગરિકોના સહીવાળા પત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ નંદીશાળા અને જિલ્લા મથકે ગૌ અભયારણ્ય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર ખાંભા પંથક ‘ગૌ માતા રાષ્ટ્ર માતા’ અને ‘ગૌ સેવા ગૌ સુરક્ષા’ના પવિત્ર નારાઓથી ગુંજી ઉઠ્‌યું હતું.