સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામથી રાજુલાને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત દયનીય અને ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. આ માર્ગ પરના મોટા ખાડાઓને કારણે દૈનિક અવરજવર કરતા સ્થાનિક રહેવાસીઓ અને સરકારી કર્મચારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ માર્ગની ખરાબ અવસ્થાને લીધે સરકારી કર્મચારીઓ સમયસર પોતાની ફરજ પર પહોંચી શકતા નથી તેમજ એસ.ટી. નિગમની બસો પણ નિર્ધારિત સમય કરતા ઘણી મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોમાં રોષ ફેલાયો છે. વીજપડીથી રાજુલાનું અંતર માત્ર ૨૨ કિલોમીટર હોવા છતાં, ઉબડ-ખાબડ રસ્તાને લીધે આ મુસાફરી કાપતા ૪૫ થી ૫૦ મિનિટ જેટલો સમય વેડફાઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગના નિર્માણ માટે અંદાજે છ મહિના અગાઉ વહીવટી મંજૂરી મળી ગઈ હોવા છતાં, તંત્રની સુસ્તી અને બેદરકારીને કારણે હજી સુધી ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી શરૂ થઈ નથી. આ જોખમી રસ્તો વાહનચાલકો માટે અકસ્માતનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે તંત્ર જલ્દી જાગે તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે.