ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર હાલમાં ભારે વિવાદમાં સપડાયું છે. એક યુવતીના પરિવારજનોએ સેન્ટર પર ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. પરિવારનો આરોપ છે કે યુવતીને સમજાવવાને બદલે તેને અન્ય ધર્મના યુવક સાથે લગ્ન અને ધર્માંતરણ માટે માનસિક રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી હતી.
માહિતી મુજબ, નડિયાદની એક યુવતી અમદાવાદમાં ખાનગી નોકરી કરતી હતી. ત્યાં તેની ઓળખ એક ખ્રિસ્તી યુવક સાથે થઈ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ પરિવાર સામે લગ્નનો પ્રસ્તાવ મૂકતાં ધર્મ અલગ હોવાના કારણે પરિવારે વિરોધ કર્યો હતો. ઘરમાં વિવાદ વધતાં યુવતીએ ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અભયમની ટીમ યુવતીને નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ ગઈ હતી. અહીંથી સમગ્ર વિવાદ શરૂ થયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.યુવતીના પિતાનો આરોપ છે કે સેન્ટરના કર્મચારીઓ દ્વારા સતત ફોન કરીને યુવકને “પરફેક્ટ” ગણાવી લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. સાથે જ કાઉન્સિલિંગ દરમિયાન યુવતી પાસેથી શંકાસ્પદ રીતે સહીઓ લેવાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
પરિવારના વકીલ અને સામાજિક કાર્યકર કેતન પટેલે વધુ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે સેન્ટરમાં કાર્યરત કેટલીક મહિલાઓ હિન્દુ યુવતીઓને અન્ય ધર્મમાં લગ્ન કરવા માટે પ્રેરિત કરતી હોવાનું તેમને લાગ્યું હતું. તેમણે ખાલી ફોર્મ પર સહી લેવાઈ હોવાના મુદ્દે પણ કાયદાકીય વાંધો ઉઠાવ્યો હતો. જ્યારે પરિવાર યુવતીને લેવા સેન્ટર પહોંચ્યો ત્યારે યુવતીએ પરિવાર સાથે જવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે સેન્ટર બહાર ભારે હોબાળો સર્જાયો હતો.
આ મામલે મહિલા અને બાળ અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે યુવતી પુખ્ત વયની હોવાથી તેની મરજીને પ્રાથમિકતા આપવામાં આવશે. યુવતી પોતાની ઈચ્છાથી પરિવાર સાથે જવા તૈયાર હશે તો તેને સોંપવામાં આવશે, નહીં તો કાયદાકીય જાગવાઈ મુજબ આગળની કાર્યવાહી થશે.
હાલ સમગ્ર મામલે નડિયાદ અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સ્થાનિકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે સરકારી સેન્ટરોની કામગીરી કેટલી પારદર્શક અને તટસ્થ છે.