સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત કરુણ અને આંખમાં આંસુ લાવી દે તેવી ઘટના સામે આવી છે. વાકલ ગામના એક જ પરિવારના ચાર આશાસ્પદ યુવાનો કાકરાપાર ડેમના ઊંડા પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા છે. પશુઓને પાણી પીવડાવવા ગયેલા એક ભાઈનો પગ લપસી જતાં તેને બચાવવા માટે પાણીમાં પડેલા અન્ય ત્રણ પિતરાઈ ભાઈઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર ચૌધરી પરિવાર અને વાકલ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૧મી મેના રોજ બપોરના સમયે વાકલ ગામનો એક યુવક પશુઓને પાણી પીવડાવવા માટે કાકરાપાર ડેમના હેઠવાસના વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન ડેમના કિનારે અચાનક તેનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. મોડી સાંજ સુધી આ યુવક ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા, જેથી તેના અન્ય ત્રણ પિતરાઈ ભાઈઓ તેને શોધવા માટે ડેમ કિનારે પહોંચ્યા હતા.
ડેમ કિનારે પોતાના ભાઈના કપડાં પડેલા જાઈને ત્રણેય ભાઈઓને અંદાજ આવી ગયો કે તે પાણીમાં ડૂબ્યો છે. પોતાના ભાઈનો જીવ બચાવવાની અધીરાઈમાં આ ત્રણેય ભાઈઓએ એક પછી એક પાણીમાં કૂદી પડ્યા હતા. પરંતુ પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે અને ઊંડાઈ વધુ હોવાથી, બચાવવા ગયેલા ત્રણેય ભાઈઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ચારેય પિતરાઈ ભાઈઓના કરુણ મોત નીપજ્યા હતા.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યુવાનોના નામ સાહિલ જિતેન્દ્ર ચૌધરી, કોશિક જિતેન્દ્ર ચૌધરી, ગણેશ નાનસિંગ ચૌધરી અને પ્રવીણ બાલુ ચૌધરી છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જાકે ગત સાંજે રાતનું અંધારું હોવાથી શોધખોળની કામગીરી અટકાવવી પડી હતી. ત્યારબાદ આજે (૧૨મી મે) વહેલી સવારથી નગરપાલિકાના તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવીને કલાકોના ઓપરેશન બાદ ચારેય યુવાનોના મૃતદેહોને પાણીની બહાર કાઢ્યા છે.
એક જ પરિવારના ચાર જુવાનજાધ દીકરાઓના અકાળે અવસાનથી વાકલ ગામમાં ભારે આક્રંદ છવાયો છે. એક ભાઈને બચાવવાની હિંમત આખા પરિવાર માટે કાળમુખી સાબિત થઈ છે. હાલ માંડવી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને લાશોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.








































