ગરીબો અને શ્રમિકોને રોજગારી પૂરી પાડવા માટે સરકાર મનરેગા યોજના ચલાવે છે, પરંતુ આ જ યોજનાનું સંચાલન કરતા કર્મચારીઓ માટે હાલ ‘દીવા તળે અંધારું’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મહીસાગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ફરજ બજાવતા ૧૨૮ જેટલા એપીઓ (આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર) સ્ટાફને છેલ્લા પાંચ-પાંચ મહિનાથી પગાર જ ચૂકવવામાં આવ્યો નથી.
લાંબા સમયથી વેતન ન મળવાને કારણે આ મધ્યમવર્ગીય કર્મચારીઓ અને તેમના પરિવારોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. મોંઘવારીના આ સમયમાં પાંચ મહિના સુધી પગાર વગર ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન છે. આર્થિક ભીંસ વધતા અનેક કર્મચારીઓ પોતાના રોજિંદા ખર્ચ અને બાળકોની ફી ભરવા માટે બહારથી વ્યાજે રૂપિયા લાવવા મજબૂર બન્યા છે.
પગારના મુદ્દે પીસાતા કર્મચારીઓનો સીધો આક્ષેપ છે કે, તેમણે પોતાના હકના વેતન માટે જિલ્લા કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને પરિણામ શૂન્ય જ આવે છે. જ્યારે પણ જવાબદાર અધિકારીઓને પગાર વિશે પૂછવામાં આવે છે, ત્યારે તેઓ માત્ર એટલો જ ગોળગોળ જવાબ આપે છે કે ‘હજુ ઉપરથી ગ્રાન્ટ આવી નથી.’ લાંબા સમયની રાહ અને તંત્રની ઉદાસીનતાના કારણે હવે આ ૧૨૮ જેટલા એપીઓ કર્મચારીઓનો સંયમ ખૂટી રહ્યો છે.








































