વડીયા તાલુકા હેઠળ આવતા ખાન ખીજડિયા ગામમાં કમકમાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રખડતા શ્વાનોના જીવલેણ હુમલામાં એક સાત વર્ષની નિર્દોષ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક લોકોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ, ખાન ખીજડિયા ગામમાં મૂળજીભાઈ હિરપરાના ખેતરમાં ખેતમજૂરી કરતા પ્રકાશભાઈ નામના શ્રમિકની સાત વર્ષની પુત્રી અંજના પર ત્રણ જેટલા હિંસક કૂતરાઓએ એકાએક હુમલો કરી દીધો હતો. આ કરુણ ઘટના તે સમયે બની જ્યારે પરિવારના સભ્યો નજીકમાં જ ખેતરમાં તલની કાપણી કરી રહ્યા હતા અને માસૂમ બાળકી બાજુમાં રમી રહી હતી.કૂતરાઓ એટલા હિંસક બન્યા હતા કે તેમણે બાળકીને ગળા અને કમરના ભાગે ગંભીર રીતે બચકાં ભરી દીધા હતા.
બાળકીની ચીસો સાંભળીને ખેતરમાં કામ કરતા પરિવારજનો અને અન્ય શ્રમિકો તેને બચાવવા માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. ગંભીર ઈજાઓ અને વધુ પડતા રુધિરસ્ત્રાવને કારણે માસૂમ અંજનાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે આ જ હિંસક શ્વાનોએ માત્ર દસ દિવસ પહેલા જ આ જ શ્રમિક પરિવારની મોટી દીકરી જામબાઈ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. જામબાઈને ગંભીર હાલતમાં જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને તે માંડ સાજી થઈને ઘરે પરત ફરી હતી, ત્યાં જ નાની બહેન અંજના આ હિંસક શ્વાનોનો શિકાર બની ગઈ હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. ખેત માલિક વજુભાઈ હિરપરાએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી આ પરિવાર તેમના ખેતરમાં મજૂરી કરે છે અને કૂતરાઓના ત્રાસને કારણે હવે ખેતરમાં કામ કરવું પણ જોખમી બની ગયું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. હાલમાં તો એક લાડકવાયી દીકરીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક ધોરણે આ હિંસક પ્રાણીઓનો નિકાલ કરવાની માંગણી કરવામાં આવી રહી છે.