ગુજરાતમાં ગૌમાતાને વિશેષ સ્થાન આપવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાંથી સામે આવેલા ચોંકાવનારા આંકડાઓએ અનેક સવાલો ઉભા કર્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પકડાયેલા રખડતા પશુઓને રાખવા માટે બનાવાયેલા કેન્દ્રોમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે છેલ્લા એક મહિનામાં ૨૭ અને ચાર મહિનામાં કુલ ૭૧ ગૌવંશના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડાઓ બહાર આવતા ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ખામધ્રોળ ચોકડી નજીક આવેલા પશુ કેન્દ્રમાં આશરે ૩૦૦ જેટલા ગૌવંશને પતરાના શેડ હેઠળ રાખવામાં આવ્યા છે. ગૌરક્ષકોના આક્ષેપ મુજબ, અસહ્ય ગરમી વચ્ચે અહીં પંખા, ફોગર સિસ્ટમ કે અન્ય ઠંડકની કોઈ પૂરતી વ્યવસ્થા નથી. પશુઓને પીવા માટે ગરમ પાણી આપવામાં આવતું હોવાનો પણ ગંભીર આરોપ કરવામાં આવ્યો છે. ઉનાળાની આકરી ગરમીમાં પશુઓ શેકાઈ રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે તેમના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.

ગૌરક્ષકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગૌવંશ માટે તાત્કાલિક સુવિધાઓ વધારવી જરૂરી છે. જા વહેલી તકે યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. ગૌરક્ષકોનું કહેવું છે કે ગૌસેવાના મોટા દાવા વચ્ચે પશુઓ માટે મૂળભૂત સુવિધાઓનો અભાવ ચિંતાજનક બાબત છે.

બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર દેવાંગ ઠાકરે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પશુઓ માટે હોજ અને ગોળના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથે જ ટૂંક સમયમાં ફોગર સિસ્ટમ પણ લગાવવામાં આવશે જેથી ગરમીમાં પશુઓને રાહત મળી શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે ગૌવંશના મોતનું મુખ્ય કારણ માત્ર ગરમી નથી, પરંતુ બહાર રખડતી વખતે પશુઓ દ્વારા પ્લાસ્ટીક અને અન્ય કચરો ખાઈ લેવાના કારણે ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે.