ગુજરાતનાં લોકોને અત્યંત ગરમી અને ભેજવાળા વાતાવરણમાંથી આખરે રાહત મળવાની સંભાવના છે. આગામી ૨૪ કલાક બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી છ દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમશ ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે.ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અહેવાલ મુજબ, આજે રાજ્યમાં હીટવેવનું કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી. જા કે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને શુષ્ક પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે અમુક વિસ્તારોમાં અસહ્ય ગરમી અનુભવાઈ શકે છે.
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધુ તેજ બન્યો છે અને ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં ૪૩.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં ૪૩.૧ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદમાં તાપમાન ફરી ૪૩ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર જ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી ૨૪ કલાક પછી રાજ્યના વિવિધ ભાગોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પશ્ચિમી વિક્ષેપ અને સમુદ્રી પવનોના પ્રભાવને કારણે તાપમાનમાં ઘટાડો થશે. સૌરાષ્ટ્ર -કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ સંભાવના છે.