વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય  અસ્થિરતાની અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી રહી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ફરી ખોરવાયું છે. ખાસ કરીને સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવને કારણે રોજિંદા ખર્ચમાં મોટો વધારો થયો છે.
મળતી માહિતી મુજબ સિંગતેલના ડબ્બાના ભાવમાં એકસાથે ૫૦નો વધારો નોંધાયો છે, જેના કારણે હવે એક ડબ્બાનો ભાવ ૨૭૬૫ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલના ભાવમાં પણ ૨૦નો વધારો થતા તેનો ભાવ ૨૬૨૦ સુધી પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય  બજારમાં વધતી અસ્થિરતા, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને આયાતી ખર્ચમાં વધારો થવાને કારણે ખાદ્યતેલ બજારમાં સીધી અસર પડી રહી છે.
ખાસ ચિંતાની વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદ્યતેલના ડબ્બાના ભાવમાં લગભગ ૬૦૦ જેટલો મોટો વધારો નોંધાયો છે. જેના કારણે સામાન્ય પરિવાર માટે ઘરખર્ચ સંભાળવું વધુ મુશ્કેલ બન્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર જા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિમાં સુધારો નહીં આવે તો ખાદ્યતેલના ભાવ હજુ વધુ વધી શકે છે. બીજી તરફ ગ્રાહકોમાં પણ વધતા ભાવને લઈને ચિંતા જાવા મળી રહી છે.