અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેજલપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જીવરાજપાર્ક પાસે આવેલી શોરબકોર સ્કૂલ નજીક એક ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પાછળનું કારણ એટલું નજીવું છે કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

મળતી માહિતી મુજબ, મૃતક હિરેન મેનશીભાઇ સોલંકી અને આરોપી મહાવીરસિંહ મહોબતસિંહ જાદવ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી. આ વિવાદ માત્ર પીજીના કબાટમાં સામાન રાખવા જેવી બાબતે થયો હતો. આ જૂની અદાવત મનમાં રાખીને ૨૩ વર્ષીય મહાવીરસિંહ જાદવે હિરેનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું.

વેજલપુરની સત્યનારાયણ સોસાયટી અને વિભાવરી સોસાયટીની સામે જ્યારે હિરેન હાજર હતો, ત્યારે આરોપીએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ તીક્ષ્ણ છરી વડે હિરેનના પેટના અને દૂંટીના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં હિરેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત હિરેનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે વેજલપુર પોલીસને જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી મહાવીરસિંહ જાદવની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં દિન-પ્રતિદિન વધતી જતી ગુનાખોરી અને ઉશ્કેરાટમાં આવીને થતી હત્યાઓની ઘટનાએ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો છે.