અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં દારૂબંધીના અમલ પર સવાલો ઉભા કરતો એક વીડિયો વાયરલ થયો છે. પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જ દારૂની રેલમછેલ જાવા મળી હતી. આ ઘટનામાં એક ટ્રકમાંથી દારૂનો થેલો પડી જતાં રસ્તા પર દારૂ ઢોળાઈ ગયો હતો. જશોદાનગરથી હાથીજણ રોડ પર દારૂ પાણીની જેમ વહેતો જાવા મળ્યો હતો, જે દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા હતા.
આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂની તસ્કરી માટે ઉપયોગમાં લેવાયેલું ટ્રક પણ પોલીસે જપ્ત કર્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, આવા કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે, જે દર્શાવે છે કે દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું પ્રતીત થાય છે. આ વાયરલ વીડિયોએ રાજ્યમાં દારૂબંધીના અમલની વાસ્તવિકતાને ફરી એકવાર ઉજાગર કરી છે.









































